શ્રાવણ મહિનામાં પરસેવાથી રેબઝેબ થયા કચ્છવાસીઓઃ અંગ દઝાડે તેવી ગરમી | મુંબઈ સમાચાર
ભુજ

શ્રાવણ મહિનામાં પરસેવાથી રેબઝેબ થયા કચ્છવાસીઓઃ અંગ દઝાડે તેવી ગરમી

ભુજઃ કચ્છમાં ભારે વરસાદની એલર્ટને બદલે ભારતીય હવામાન ખાતાંએ ‘હિટ વેવ’ માટેનું રેડ એલર્ટ આપતાં આવું પ્રથમવાર બન્યું છે. સામાન્ય રીતે ભાદરવામાં પ્રખર તાપ પડે છે, પરંતુ ભાદરવો હજુ બેઠો નથી ત્યાં કચ્છમાં અસહ્ય ગરમી અને બફારાએ લોકોને ત્રસ્ત કરી દીધા છે.

મળતી વિગતો પ્રમાણે, વાતાવરણમાં સર્જાયેલું હવાનું ઊંચું દબાણ, ગરમીને જકડીને ઉભું રહેતું હોય છે અને આ પરિસ્થિતિને કારણે ‘સિસ્ટમ ટ્રેપિન્ગ હિટ’- હાહાકાર મચાવી રહી છે. આ ઉપરાંત ઋતુ પરિવર્તન અને ‘અર્બન હિટ આઇસલેન્ડ’ ઇફેક્ટ પણ અકળાવનારી ગરમીના કારણો છે. ઉલ્લેખનીય છે કે, હવાના ઊંચા દબાણને કારણે જમીનની સપાટી પરની ગરમીને, હવાનું ઊંચું દબાણ જકડી રાખે છે જેને કારણે લાંબો સમય અકળાવનારી ગરમીનું મોજું જે-તે વિસ્તારો પર ઉભું થાય છે. આ ઉપરાંત હાલમાં વિશ્વનું તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે તેની અસરને કારણે શહેરી વિસ્તારો એક પ્રકારના ‘હોટ આઇસલેન્ડ’ બન્યા છે, કારણ કે શહેરોમાં રહેલી ઇમારતો-રસ્તાઓને કારણે, ગ્રામ્ય વિસ્તારોની સરખામણીમાં શહેરી વિસ્તારો વધુ ગરમ હોય છે તેથી આ ગરમી લોકોને ત્રસ્ત કરી રહી છે.

ભારતીય હવામાન ખાતાએ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જયારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરતાં વૈશ્વિક હવામાન કેટલી હદે વિષમ બનવા પામ્યું છે તે જોઈ શકાય છે. ચિંતાની વાત એ છે કે ભર ચોમાસાં વચ્ચે આવી પડેલી ગરમીની રેડ એલર્ટને કારણે લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસરો પડી શકે છે તેમ ખુદ હવામાન ખાતાએ પણ જણાવ્યું છે. હજુ આગામી દિવસોમાં ઉષ્ણતામાન વધુ ઊંચું જશે અને ભારે ગરમીનો સામનો કચ્છ-સૌરાષ્ટ્રને કરવો પડશે.

દરમ્યાન, કચ્છના અરબી સમુદ્રની સપાટી પર એક ચોમાસાંનો ટ્રફ રચાયો છે જે પંજાબ, ઉત્તર પ્રદેશ થઈને છેક અરુણાચલ પ્રદેશ સુધી પસાર થશે. કચ્છમાં સમુદ્રથી ૩.૧ કિલોમીટરની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. કચ્છમાં છેલ્લા એક સપ્તાહમાં મહત્તમ તાપમાનમાં ૧૦ ડિગ્રી સે.નો વધારો નોંધાયો છે અને તે ૨૮ ડિગ્રી સે.થી વધીને ૩૮ ડિગ્રી સે. સુધી પહોંચ્યું છે. તેમાં વળી ભેજનું પ્રમાણ વધી રહ્યું હોઈ હવામાંના પ્રાણવાયુનું ‘ડીપલીશન’ થવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ડી હાઇડ્રેશનના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

બીજી તરફ, કચ્છ-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા આસપાસના ગામોમાં ગરમીએ જાણે માઝા મૂકી છે. મળતી માહિતી પ્રમાણે આ વિસ્તારોમાં આજે વધુમાં વધુ તાપમાન ૩૯ ડિગ્રી સે.જેટલું, એટલે કે પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાંચીની સમકક્ષ પહોંચવા પામ્યું છે. રણપ્રદેશ કચ્છમાં ગરમીની રેડ-એલર્ટ હોવા છતાં આરોગ્ય ખાતાએ સાવચેતીના કોઈ પગલા સૂચવ્યા નથી અને સ્થાનિક તબીબોના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે દિવસથી કચ્છના મોટાભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટી અને ડી-હાઇડ્રેશનના કિસ્સાઓ વધી રહ્યા છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button