ભુજ

Gujarat tourism : કચ્છમાં જે કામ થયું છે તે આખા ગુજરાતમાં થવું જોઈએ અને જનતાએ…

ભુજ: તમે જ્યારે પણ કોઈ પર્યટન સ્થળે જાઓ ત્યારે તેની સુંદરતા અને સ્વચ્છતા તમને આકર્ષે છે, હોટેલ કે રિસોર્ટમાં જઈએ એટલે આપણને આપણી રૂમ સાફસુથરી જોઈએ છે, પરંતુ આપણે કચરો કરીએ તેનું શું? પર્યટન સ્થળોએ સફાઈ રાખવાની જવાબદારી જેટલી સરકારની છે તેટલી મુલાકાતીઓની પણ છે. સ્વચ્છતા સામે સૌથી મોટો પડકાર હોય તો તે છે પ્લાસ્ટિક.

આ પણ વાંચો : રાષ્ટ્રીય પક્ષી દિવસ: માત્ર પ્રવાસીઓને જ નહિ પણ દેશવિદેશના પક્ષીઓને પણ આકર્ષે છે ગુજરાત; વાંચો અહેવાલ

બોટલો, રેપર ને અન્ય કચરો પર્યાવરણ બગાડવાનું કામ કરી રહ્યો છે ત્યારે કચ્છમાં સફેદ રણ અને રોડ ટુ હેવનને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ હવે અહીંના અન્ય પ્રવાસન સ્થળોને પણ પ્લાસ્ટિક ફ્રી કરવા અંગે વિચારણા થઈ રહી છે ત્યારે માત્ર કચ્છ જ નહીં, પરંતુ ગુજરાતભરના તમામ સ્થળોને પ્લાસ્ટિક ફ્રી કરવાની જરૂર છે. અને આની પહેલ સરકારે નહીં પણ આપણે કરવાની જરૂર છે.

કચ્છમાં હવે આ નિયમ પાળવાનો રહેશે

ભુજ ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને કચ્છના પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી જેમાં ટુરિસ્ટ હોટસ્પોટ બની ચૂકેલા માંડવી શહેર અને રમણીય બીચ વિસ્તાર સહીત પ્રવાસન સ્થળોનું પ્રાકૃતિક સૌદર્ય જળવાઇ રહે તે માટે ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડીને આ વિસ્તારોને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ તરીકે જાહેર કરવામાં આવશે. સંબંધિત પ્રાંત અધિકારીઓએ તેમના વિસ્તારમાં આવેલા પ્રવાસન સ્થળોએ ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સી, નગરપાલિકા અને ખાનગી કંપનીઓના સહયોગથી ચાલી રહેલી સફાઈ કામગીરીની વિગતો પ્રવાસન સચિવને આ બેઠકમાં આપવામાં આવી હતી.

ધોરડો, રોડ ટુ હેવન અને પુરાતન નગરી ધોળાવીરાની જેમાં માંડવી બીચ અને તેની આસપાસનો વિસ્તાર, માતાના મઢ, લખપત ફોર્ટ, નારાયણ સરોવર-કોટેશ્વર સહિતના પ્રવાસન સ્થળોમાં હાલમાં ચાલી રહેલી સફાઈ કામગીરીને વધુ આયોજનબદ્ધ કરીને આ પ્રવાસન સ્થળોને સ્વચ્છ બનાવાશે તેમ કચ્છના ક્લેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું.

શું છે તંત્રની તૈયારી

દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવનારા પ્રવાસીઓ દ્વારા પર્યાવરણીય દ્રષ્ટીએ સંવેદનશીલ કચ્છના પ્રવાસન સ્થળોએ મહાલવા આવતા પ્રવાસીઓ દ્વારા પ્લાસ્ટિકની બોટલ, કોથળીઓ, તમાકુ-ગુટખાના અને નમકીનના પડીકાં સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં ન આવે અને સૌંદર્ય, સ્વચ્છતા અને પર્યાવરણીય પરિસ્થિતિ જાળવવા માટે ટૂંક સમયમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડીને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : કચ્છમાં 3.7ની તીવ્રતા વાળા ભૂકંપના આંચકાએ ફેલાવ્યો ગભરાટ; કેન્દ્રબિંદુ દુધઈ નજીક

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ધોરડો રણ ઉત્સવ વિસ્તારના સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધીના રસ્તા અને તેની બંને તરફનો ૨(બે)-૨(બે)કિ.મી.નો વિસ્તાર, વોચ ટાવરની આસપાસનો સફેદ રણ વિસ્તાર અને ‘રોડ ટુ હેવન’ કાઢવાંઢથી ધોળાવીરા ગામના એન્ટ્રી પોઈન્ટ સુધીનો માર્ગ અને તેની બંને બાજુના રણ વિસ્તારમાં તથા તેને સંલગ્ન રણમાં ભરાયેલા કચરો ફેંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button