Kutch માં હાડ થીજાવતી ઠંડી, નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ મથક
ભુજ: દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં સતત થઇ રહેલી ભારે બરફવર્ષાને પગલે સમગ્ર ગુજરાતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં(Kutch) પણ હાડ થીજાવતી ઠંડીએ જનજીવનને અસર કરી છે. કચ્છનું કાશ્મીર નલિયા આજે 5.8 ડિગ્રી સે.સાથે ગુજરાતનું પ્રથમ નંબરનું સૌથી ઠંડુ મથક બનવા પામ્યું છે.
અબડાસા પણ ઠંડીની અસર
અબડાસા તાલુકાનું આ મુખ્ય મથક દર વર્ષે શિયાળા દરમ્યાન જાણે કચ્છનું શિમલા બની જાય છે અને આ શહેરમાં રાજસ્થાન,ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવી ઠંડી પડે છે.આજે નલિયામાં રાજસ્થાનના ચુરુ, બિકાનેર અને જેસલમેર તેમજ પંજાબના અમૃતસર અને હિસ્સાર કરતાં પણ વધુ ઠંડી નોંધાઈ છે.
ભુજમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી સેલ્સિયસ
ભુજમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો 11.4 ડીગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે અને દિવસભર લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. અધૂરામાં પૂરું ધાબળીયા માહોલ વચ્ચે ઉત્તર દિશાએથી વાઈ રહેલા વેગીલા વાયરાઓએ ઠંડીની ધાર વધુ તેજ બનાવતાં બપોરે પણ વહેલી સવાર જેવી ઠંડી પડી રહી છે.
આગામી બે દિવસ ઠંડી યથાવત રહેવાની આગાહી
જમ્મુ કાશ્મીર,લેહ-લદાખ, ઉત્તરાખંડમાં થઇ રહેલી હિમવર્ષાને કારણે સતત વધી રહેલી ઠંડીની અસર હેઠળ બપોરે પણ ઠંડક અનુભવાઈ હતી અને લોકોને ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇને રહેવું પડી રહ્યું છે.ભુજ,નલિયા સહિતના મોટાભાગના સ્થળોએ સમીસાંજથી જ લોકો શેરી રસ્તાઓ પરથી ગાયબ થઇ ગયા છે .રાજ્યભરમાં આગામી બે દિવસ સુધી ઠંડી યથાવત રહેવાની મોસમ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.