સરકારી સબ્સિડીવાળી લોનનાં નામે અંજારના કારખાનેદારને ₹૧૮ લાખનો ચૂનો લાગ્યો, બે એજન્ટો સામે ગુનો નોંધાયો

ભુજ: કપડાની ધોલાઈ અને ડાઈ કલર માટે નવું મશીન ખરીદવા ઈચ્છતા અંજારના કારખાનેદારને સરકારી સબ્સિડીવાળી લોન મંજૂર કરાવી આપવાના નામે ૧૮ લાખની ઠગાઈ કરનારા ભુજના મિરજાપર રોડ પર સ્થિત ટાઈમ્સ સ્ક્વૅર બિલ્ડિંગમાં આવેલી ‘કાવ્યા ટ્રેડર્સ’ નામની પેઢીના માલિક મનીષ ઠક્કર અને આદિપુરના લોન એજન્ટ ભાવેશ મોહનલાલ શાહ વિરુદ્ધ અંજારના મુનાવર કાસમ રાયમાએ કિમિનલ કોન્સ્પિરસી અને ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી.
અંજાર પોલીસ સમક્ષ ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વીડી ગામમાં કપડાંની ધુલાઈ અને ડાઈનું કારખાનું ચલાવે છે. તેને વધુ એક મશિન ખરીદવાની જરૂરિયાત ઉભી થઇ પરંતુ તે ખરીદવા માટે લોન મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દરમ્યાન ગત વર્ષે તે મિત્ર જોડે ચાની રેકડી પર આ અંગે ચર્ચા કરતો હતો ત્યારે તેમની વાતો સાંભળીને ભાવેશ નામનો વ્યક્તિ તેના સંપર્કમાં આવ્યો હતો. ભાવેશે પોતાની ઓળખાણ આપીને પોતે નાના ઉદ્યોગકારો માટે સરકારી સબ્સિડીવાળી લોન મંજૂર કરાવવાનું કામ કરે છે અને તમારે લોન જોઈતી હોય તો મળી જશે તેમ કહીને વિશ્વાસ કેળવ્યો હતો.
આ પણ વાંચો: ત્રણ સબ્સિડી અને મહિલાઓનું હીતઃ જાણો ગુજરાતની નવી ટેક્સટાઈલ્સ પોલિસીમાં શું છે?
ત્યારબાદ ભાવેશના કહેવાથી ફરિયાદીએ અંજારની ઈન્ડિયન બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું. બેન્ક મેનેજર મુકેશ ગેહલોત, લૉન મોર્ગેજ કરવાનું કામ કરતો બેન્કનો કર્મચારી વિક્રાંત સહિતના અધિકારીઓ વીડી ગામમાં સ્થિત કારખાનાના ફોટો-વિડીયો પાડ્યા હતા. તેમજ મકાનને અંજાર સબ રજિસ્ટ્રાર કચેરીમાં મોર્ગેજ કરાવ્યું હતું. ૧૬-૧૦-૨૦૨૪ના રોજ બેન્ક મેનેજરે ફરિયાદીને ફોન કરીને ૧૮ લાખની મંજૂર થયેલી લોનનો ચેક તૈયાર થઈ ગયો હોવાનું કહીને બેન્કમાં સહી કરવા બોલાવ્યો હતો. આ ચેક મશિનનું ક્વોટેશન આપનાર કાવ્યા ટ્રેડર્સના ખાતામાં જમા થઈ જશે તેમ મેનેજરે જણાવ્યું હતું. કાવ્યા ટ્રેડર્સના ખાતામાં નાણાં જમા થઈ ગયા હતા પરંતુ ફરિયાદીને ન મશીન મળ્યું કે ન નાણાં મળ્યા.
આ પણ વાંચો: સરકારની મોટી જાહેરાતઃ ડીએમાં 4% વધારો, LPG સિલિન્ડરની સબ્સિડી ચાલુ રહેશે
મુનાવર કાસમ રાયમાંના બેંક ખાતામાં ભુજની સાઉથ ઈન્ડિયન બેન્ક દ્વારા માર્જિન મનીના નામે બે લાખ રૂપિયા જમા થયેલાં તે અંગે પણ તેને કશી ખબર નહોતી. લાંબા સમય સુધી મશીન ના મળતાં ફરિયાદીએ ભાવેશ શાહને પૂછતાં તેણે જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમના લીધે કાવ્યા ટ્રેડર્સનું બેંક ખાતું ફ્રીઝ થઈ ગયું છે. તે ડી-ફ્રીઝ થશે ત્યારે મશિન મળશે. ત્યાં સુધી તમારી લોનના હપ્તા મનિષ ઠક્કર ભરતો રહેશે. જો કે બાદમાં મશિન કે નાણાં ના મળ્યા હોવા છતાં બેંક મેનેજર સહિતના સ્ટાફે સબ્સિડી ક્લેઈમના નામે ફરિયાદીના કારખાનાની મુલાકાત લેવી શરૂ કરી દીધી હતી. છ માસ સુધી રાહ જોયા બાદ આખરે મુનાવરે ભાવેશ શાહ અને મનીષ ઠક્કર વિરુધ્ધ ૧૮ લાખની સરકારી સબ્સિડીવાળી લોનની રકમ મેળવી લઈને ઠગાઈ કર્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો.