ભુજ

‘ઈ રે કાયામેં માટી જો બર્તન, ફૂટી જાશે નહીં કરે રણકો: આ રીતે ફૂલ્યુફાલ્યું છે કચ્છી લોકસંગીત

ભુજઃ કચ્છમાં આવેલા ૨૦૦૧ના ગોઝારા ભૂકંપ પહેલાં બે ટંક ભોજન માટે સંઘર્ષ કરતા કચ્છી ગીત સંગીત અને કચ્છી લોકવાદ્યોના કલાકારો માટે હવે જાણે સુવર્ણ યુગ શરૂ થઇ ચુક્યો છે.

કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી યોજાઈ રહેલા રણોત્સવ બાદ આવા કલાકારોની માંગ દેશભરમાં વધી ગઈ છે અને હવે કચ્છમાં પણ આવા કલાકારો વર્ષભર વ્યસ્ત રહે છે. કચ્છના ભાતીગળ બન્ની પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમા રણોત્સવનો પ્રારંભ થયા બાદ હવે એક સમયના આ રણપ્રદેશમાં હોલીડે રિસોર્ટ ધમધમતાં થયાં છે અને તેમાં વર્ષભર સહેલાણીઓ આવતાં રહે છે તે વાત આનંદ પમાડે તેવી છે.

આ પણ વાંચો: ભુજ સહિત કચ્છવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ શરૂ થઈ રહી છે આ નવી ટ્રેનસેવા

બન્ની પ્રદેશના ગોરેવાલી, હોડકો, ધોરડો, ભીરંડિયારા તેમજ ખાવડા પંથકના કુરન સહિતના ગામોમાં રહેતા ૧૦૦ જેટલા કલાકારોને હાલે વાત કરવાની પણ ફુરસદ જ નથી. બુધા વેલા મારવાડા નામના આવા એક કલાકારના જણાવ્યા પ્રમાણે, ઘડો(માટલું), ગમેલા( ગાયોને નીરણ કરવાનું વાસણ), ચંગ, ખડતાલ જેવા કચ્છી વાદ્યોનો ધ્વનિ દુનિયાથી કદાચ અજાણ હતો પણ કચ્છના બન્ની વિસ્તારના હજારો ઢોર-ઢાંખર આના ધ્વનિથી પરિચિત રહ્યા છે.

સીમાડામાં ચરિયાણ માટે ગયેલી ગાય-ભેંસ મોરચંગનો અવાજ સાંભળે કે તરત જ પોતાના માલિક પાસે પહોંચી આવે છે.
આ પ્રાચીન વાદ્યોમાં જોડિયા પાવાનો સંગ મળતાં કચ્છી લોક સંગીત ધીમે ધીમે સાત સમંદર પર પહોંચ્યું છે. પહેલા કલાકારો આવા વાદ્યો સાથે કચ્છી આરાધી વાણી, કચ્છી લોકગીત, સિંધી કાફી અને લોકગીત ગાતા તેમજ તેની ધૂન પણ વગાડતા પણ હવે સમયની સાથે-સાથે કચ્છી વાદ્યો અને લોકગીતોમાં બોલીવુડની ફિલ્મોના ગીતો વગાડતા થયા છે. બુધાભાઈ મારવાડા ઈચ્છે છે કે કચ્છી લોકસંગીત અને લોકવાદ્યોના કલાકારોને ક્યાંક બોલીવુડમાં નામ મળે. તેમણે જણાવ્યું હતું કે, હેલ્લારો નામની ગુજરાતી ફિલ્મ રિલીઝ થયા બાદ કચ્છી ઢોલ અને ઢોલકવાદકોનો રોલ બૉલીવુડ સુધી પહોંચ્યો છે પણ બાકીના વાદ્યો હજુ બૉલીવુડ સુધી પહોંચી નથી શક્યાં.

આ પણ વાંચો: કચ્છમાં વ્યાપક બનેલા ગન કલ્ચર પર લગામ કસવા પોલીસે શરૂ કર્યુ અભિયાન

અગાઉ માત્ર લગ્ન પ્રસંગોએ શોખીન લોકો આ કચ્છી કલાકારોને બોલાવતા અને તેમને ત્યારે રૂપિયા ૫૦૦૦થી ૬૦૦૦ જેટલી રકમ ચૂકવાતી. આ રકમ ૨૦ કલાકારો વચ્ચે સરખે ભાગે વહેંચવાની થતી. એટલે એક કલાકારને સરેરાશ રૂપિયા ૨૦૦ મળતા જયારે આજે તેની સામે કલાકની ગણતરીએ આ કલાકારોને રૂપિયા ૨૫૦૦૦થી માંડીને ૨ લાખ સુધીના ચુકવણા કરાય છે.
તાજેતરમાં જયારે કચ્છમાં જી-૨૦ સમિટના ડેલિગેટ્સનું વિમાની મથકે આગમન થયું ત્યારે બન્નીના આવા કલાકારોએ કચ્છી લોકવાદ્યોની સુરાવલીથી તેમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત રણમાં બનાવાયેલી તંબુ નગરી ખાતે પણ કચ્છી સંગીત રજૂ કરાયું હતું જે સાંભળીને વિદેશી મહેમાનો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. હવે કચ્છના આવા કલાકારોને દેશના સંખ્યાબંધ શહેરો જેવા કે, ગાંધીનગર,વડોદરા,રાજકોટ, મુંબઈ, મદ્રાસ, ભોપાલ તેમજ બિલાસપુર જેવા શહેરોમાં કચ્છી કલાકારોને તેમની કલાના કામણ પાથરવાના ‘ઓર્ડર’ મળ્યા હતા.

આ કલાકારોના જણાવ્યા પ્રમાણે, તેમની આર્થિક હાલત હવે પહેલાની સરખામણીમાં ખુબ જ સુધરી ગઈ છે. વધુ આનંદની વાત એ છે કે, આ કલાકારો આવી પ્રવૃત્તિની સાથે સાથે પોતાની વંશ પરંપરાગત રોજી રોટીને ભૂલ્યા નથી અને પોતાના પશુપાલન વ્યવસાયને જાળવી રાખ્યો છે.

આ પણ વાંચો: કચ્છમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસના રીપોર્ટ આવે તે પહેલા જ બાળકોના મોતથી ખળભળાટ

અમારાં પશુધનને ચરિયાણ માટે લઇ જઈએ અને તેમને જોડિયા પાવા અને મોરચંગ સંભળાવીએ ત્યારે જ અમને સાચા આનંદની અનુભૂતિ થાય છે તેમ ભાવુક સ્વરે અન્ય એક કલાકાર ગોવિંદભાઇ મારવાડાએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button