ભુજની વિદ્યાર્થિનીની ગળું ચીરી સરાજાહેર હત્યાઃ આરોપી પકડાયો, પણ ગુનાઓ રોકાશે?

ભુજઃ ત્રણેક વર્ષ પહેલા સુરતમાં ગ્રિષ્મા નામની યુવતીને ફેનિલ નામના એક છોકરાએ એકતરફી પ્રેમમાં ચિરી નાખી હતી. ત્યારે આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા અને ફેનિલને સજા પણ થઈ હતી. ત્યારબાદ પણ મહિલા વિરુદ્ધ ગુનાઓ થયા. અમુક કેસમાં ભારે ઉહાપોહ થાય છે અમુક દબાય જાય છે, ગનેગારો પકડાય છે, પરંતુ ગુનાખોરી ડામી શકાતી નથી. ભુજમાં ફરી એક યુવતીની મગજ ફરેલા યુવાને ભર રસ્તે હત્યા કરી નાખી છે. જોકે પોલીસે આરોપીને પકડી લીધો છે.
ગુરુવારની મોડી સાંજના અરસામાં ભુજના એરપોર્ટ રિંગરોડ પર આવેલી, બીએમસીબી ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી છાત્રા પર મોટરસાઇકલ પર આવેલા પરિચિત યુવક દ્વારા છરી વડે હત્યા કરી દેવાના ચોંકાવનારા બનાવે કચ્છ સહીત બૃહદ કચ્છમાં ભારે ચકચાર જગાવી છે.
આ અંગે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ પી.એમ.પટેલે જણાવ્યું હતું કે સંસ્કાર કોલેજના બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મૂળ ગાંધીધામની અને હાલ ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી સાક્ષી જેઠાલાલ ખાનિયા નામની છાત્રા ગત ગુરુવારના સાંજે કોલેજ પૂર્ણ થયા બાદ એસએમઆઈટી સંકુલથી બહાર નીકળીને એપ્રોચ રોડ પર પહોંચી ત્યારે મોટરસાઇકલ પર મોહિત મુળજી સિદ્ધેશ્વરા અને તેનો અંજારના મેઘપર બોરીચીમાં રહેતો મિત્ર જયેશ જેન્તીજી ઠાકોર સાક્ષી પાસે આવ્યા હતા. મોહિત અને સાક્ષી પરિચિત હતાં અને પાડોશમાં રહેતાં હતાં. કોઈ કારણોસર બંને વચ્ચે વિવાદ સર્જાયા બાદ સાક્ષીએ મોહિત જોડે બોલવાનું બંધ કરી દીધું હતું. આ ત્રણેય ઉગ્ર ચર્ચા કરી રહ્યા હતા એ દરમિયાન મોહિતે સાક્ષીના ગળા પર છરી વડે વાર કર્યો હતો. આ વેળાએ સાક્ષીને બચાવવાના પ્રયાસ કરનારા જયેશને પણ મોહિતે છરી વડે ઘાયલ કરી, નાસી છૂટ્યો હતો. બનાવ અંગે જાણકારી મળતાં ગંભીર રીતે ઘાયલ છાત્રા અને જયેશને પ્રથમ ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં, ત્યારબાદ સાક્ષીને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન મોડી રાત્રે તેણીએ છેલ્લા શ્વાસ લેતાં આ મામલો હત્યામાં પરિણમ્યો છે.
એક મહિના પહેલા જ ભુજ આવી હતી યુવતી
મૃતક સાક્ષીએ એકાદ મહિના અગાઉ સંસ્કાર કોલેજમાં પ્રવેશ લીધો હતો. હત્યારાએ ભણવાનું મૂકી, પરત ગાંધીધામ આવી જવા માટે દબાણ કરીને ઉભો વિવાદ કર્યો હતો, પરંતુ સાક્ષીએ ઇન્કાર કરી દેતાં ઉશ્કેરાયેલા મોહિતે છરી વડે સાક્ષી પર જીવલેણ હુમલો કરી દીધો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઇ હતી તેમ પી.આઈ પી.એમ.પટેલે ઉમેર્યું હતું.
સાક્ષીના પિતા જેઠાલાલ હેમરાજભાઈ ખાનિયાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા પારખીને હરકતમાં આવેલી પોલીસે રાત્રે જ મોહિતને દબોચી લીધો હતો. આ સમગ્ર હત્યાકાંડને પગલે કચ્છમાં ભારે ચકચાર પ્રસરી છે.
આપણ વાંચો: ગુજરાતમાં પાંચ વર્ષમાં 86,418 કરોડના મૂડી રોકાણ સાથે 3.98 લાખ રોજગારીનું સર્જન