તમને સ્વચ્છ શહેર ક્યાંથી મળેઃ નગરસેવિકાએ સ્વચ્છતા રાખવા અપીલ કરી તો આખો પરિવાર તેનાં પર તૂટી પડ્યો

ભુજ: શહેર કે ગામડામાં જ્યાં ત્યાં કચરો જોઈ આપણે તરત પાલિકા કે સરકારને જવાબદાર ઠેરવતા હોઈએ છીએ, પરંતુ શહેરને સ્વચ્છ રાખવાની જેટલી જવાબદારી તેમની છે તેટલી જ શહેરવાસીઓની પણ છે, પરંતુ ભુજ શહેરમાં એક નગરસેવિકાને પોતાના વૉર્ડના લોકોને સ્વચ્છતા રાખવાની જાહેર અપીલ કરવાનું ભારે પડી ગયું હતું અને હૉસ્પિટલે જવાનો વારો આવ્યો હતો.
થોડા દિવસો અગાઉ ભુજ શહેરના વોર્ડ નંબર ૮માં આવતા શ્રીહરિ પાર્ક રહેણાંક વિસ્તારના રહેવાસીઓના વ્હોટ્સએપ ગ્રુપમાં ગટર સમસ્યા મુદ્દે આ વિસ્તારના કાઉન્સિલર મનુ જાડેજાના નામ જોગ રોષ પ્રકટ કરતી ઓડીઓ કલીપ વાઇરલ કરનારા યુવકને તેના સ્ટુડીઓમાં જઈને જાડેજાના પુત્રોએ ઢોરમાર માર્યો હોવાનો બનાવ હજુ તાજો છે તેવામાં ભુજ શહેરના ભીલવાસમાં રહેતા વોર્ડ નંબર-૩ના નગરસેવિકા રીટાબહેન રાજેશ ભાંડેલે શેરીમાં ગંદકી ન ફેલાવવા અને સફાઈ જાળવવા બાબતે એક વોટ્સએપ ગ્રુપમાં સંદેશો આપ્યા બાદ તેના મનદુ:ખમાં એક પરિવારના આઠથી વધુ શખ્સોએ નગરસેવિકા પર મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરી દેતાં શહેરભરમાં ભારે ચકચાર પ્રસરી છે.
આ પણ વાંચો : ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માટે શરાબની બોટલ પહોંચાડનારા સિપાઈની ધરપકડ
બનાવ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના બિછાને રહેલાં નગરસેવિકા રીટા બહેને જણાવ્યું હતું કે, રોગચાળો વકરતો જતો હોઈ રહેવાસીઓને કચરો ન ફેંકવા તેમણે વોટ્સએપ ગ્રુપમાં વિનંતી કરતો મેસેજ નાખ્યો હતો, જેના મનદુ:ખમાં આરોપી હરેશ રાઠોડ અને તેના પરિવારવાળા તથા જમાઈ સહિતના ૮થી ૧૦ શખ્સો તેમના ઘરે ધસી આવ્યા હતા અને કુહાડીનો હાથો તથા લાકડી વડે પતિ-પત્ની પર જાનલેવા હુમલો કરી દીધો હતો.
આ ઘટનામાં તેમને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હોવાનું અને પતિને માથામાં ઇજા થઇ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સત્તાધારીઓ દ્વારા પાલિકા કર્મચારીઓ, પાલિકાના પ્રમુખ,નગરસેવકો, અરજદારો પર હુમલા કરવા કે પોલીસકર્મીઓને જાહેરમાં અપમાનિત કરવા જેવી નાગરિકો માટે આંખ ઉઘાડનારી અનેક ઘટનાઓ ઘટી ચૂકેલી છે.