ગાંધીધામની કિશોરીના અપહરણ, દુષ્કર્મ બદલ પાટણના યુવકને 10 વર્ષની સખત કેદ-દંડની સજા…
ભુજ: 16 વર્ષની કિશોરીનું ઘરમાંથી અપહરણ કરી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ ગુજારનારા નરાધમને ગાંધીધામ સેશન્સ કૉર્ટે દોષી ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
મૂળ પાટણના શંખેશ્વરના પંચાસરના સંજય રાજેશ વાલ્મીકિ નામના શખ્સ વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગત ૪થી ઓક્ટોબર,૨૦૨૧ના રોજ અપહરણ, દુષ્કર્મ અને પોક્સોની કલમો તળે ગુનો દાખલ થયો હતો.
આ કેસમાં અધિક સેશન્સ જજ અને પોક્સો કૉર્ટના વિશેષ જજ બસન્તકુમાર ગોલાણીએ સંજયને દંડ સંહિતાની કલમ ૩૬૩ હેઠળ ૫ વર્ષની કેદ ૭૫૦૦ રૂપિયા દંડ, કલમ ૩૬૬ હેઠળ ૭ વર્ષની કેદ અને ૭૫૦૦ રૂપિયા દંડ, ૩૭૬ (જે) (એન) (૨) હેઠળ ૧૦ વર્ષની કેદ અને ૧૫ હજાર રૂપિયા દંડ તથા પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ૧૦ વર્ષની કેદ સાથે ૧૫ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
તમામ સજા એકસાથે ભોગવવાની રહેશે. કૉર્ટે દંડની રકમમાંથી ૪૦ હજાર રૂપિયા અને વળતર યોજના હેઠળ ૧ લાખ રૂપિયા ગુનાનો ભોગ બનનારીને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હોવાનું કેસની ટ્રાયલ ચલાવનારા સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજાએ જણાવ્યું હતું.