ગાંધીધામને મળશે નવી માર્કેટઃ સરકારે વિવિધ સુવિધા માટે પાંચ કરોડ કર્યા મંજૂર | મુંબઈ સમાચાર
ભુજ

ગાંધીધામને મળશે નવી માર્કેટઃ સરકારે વિવિધ સુવિધા માટે પાંચ કરોડ કર્યા મંજૂર

ભુજઃ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ શહેરની મુખ્ય બજારનું ટૂંક સમયમાં નવેસરથી પ્લાનિંગ કરીને તેને વધુ સુસજ્જીત કરવામાં આવશે. આ અંગે ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે, ગાંધીધામમાં સરદાર પટેલ પ્રતિમાથી લઇ, ગાંધી માર્કેટ સુધી એક ઈન્ટરગ્રેટેડ રોડ ડેવલોપમેન્ટનું તબક્કાવાર કામ હાથ ધરવામાં આવશે જેમાં મુખ્યત્વે રોડ બ્યુટીફીકેશન, પગપાળા ચાલવા માટેનો અલાયદો રસ્તો, વાહનો માટેનું વિશાળ પાર્કિંગ, સ્ટ્રીટ લાઈટીંગ, સુવ્યવસ્થિત ગ્રીન સ્પેસ ડેવલોપમેન્ટ વગેરે જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ પ્રકલ્પ દ્વારા અર્બન મોબિલિટી સુદ્રઢ બનશે, ચોખ્ખા પેડેસ્ટ્રીયન કોરીડોરના કારણે મુખ્ય બજારમાં આવતા રાહદારીઓને સુવિધા મળશે.પાર્કિંગ સ્પેસ ડેવલોપ થતા ટ્રાફિકનું આવાગમન સરળ બનશે. હાલમાં આ પ્રકલ્પની પ્રાથમિક ડીઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે.

ટુંક સમયમાં, ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને આ નવીનીકરણનું ભગીરથ કાર્ય મનપા દ્વારા શરૂ કરી દેવામાં આવશે.આ પ્રકલ્પ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પ્રથમ તબક્કે ૫ કરોડ મંજુર કરવામાં આવ્યા હોવાનું મનીષ ગુરવાણીએ ઉમેર્યું હતું.

દરમ્યાન, ગાંધીધામ વેપારી એસોસીએશનના પ્રમુખ રાજુ ચંદનાનીએ જણાવ્યું હતું કે, બજારના વર્ષોજૂનાં પ્રશ્નોને લઈને વેપારીઓ અને મનપા સાથે મેરેથોન બેઠકોનો દોર જારી રહેવા પામ્યો છે.આ ઉપરાંત થોડા સમય અગાઉ ઝંડાચોકથી ગાંધીમાર્કેટ સુધી તેમજ ડીબીઝેડ નોર્થમાં ૨૨૦થી વધુ નવા દબાણોને હટાવવાની નોટિસ આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો…કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાઃ ‘મિસ્ટર ખિલાડી’એ સફેદ રણમાં બાઈક રાઈડિંગની મજા માણી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button