ગાંધીધામના ભારાપરમાં કૌટુંબિક સસરાએ ભાઇનું હથોડી વડે હુમલો કરી ઢીમ ઢાળી દેતાં ચકચાર

ભુજ: કચ્છમાં પણ હવે જાણે યુપી-બિહારની જેમ ગેંગવોર, હુમલા, સરાજાહેર હત્યા જેવા બનાવો બનવા એક આમ વાત બની ચુકી છે તેવામાં ગાંધીધામ તાલુકાના ભારાપર ગામમાં સ્થિત ખાનગી કંપનીની વસાહતમાં બે શ્રમિકો વચ્ચે થયેલા વિવાદમાં ગોપન પડુ બગદી (ઉ.વ. ૪૬) નામના શ્રમિકને બીજાએ માથા પર હથોડીનો પ્રહાર કરી તેની હત્યા નીપજાવી નાસી જતાં પંથકમાં ભારે ચકચાર પ્રસરી છે.
પોલીસે આપેલી વિગતો મુજબ, ભારાપર પાસેની સાલ સ્ટીલ નામની કંપનીની ડબલ્યુ.આર.એમ. નામની કામદારોની વસાહતમાં ગત સાંજે આ હત્યાનો બનાવ બન્યો હતો. આ વસાહતના રૂમ નંબર ૯૧માં ગોપન તથા આરોપી વિનોદ બવરી રહેતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં સાથે રહી આ બંને કંપનીમાં મજૂરીકામ કરી રહ્યા હતા તેમજ આરોપી વિનોદ આ ગોપનનો સંબંધમાં કાકા સસરો થતો હતો. આ બંને વચ્ચે કોઇ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી, જેમાં ઉશ્કેરાટમાં આવી ગયેલા વિનોદે તેના કૌટુંબિક જમાઇના માથા પર હથોડી મારી દેતાં હતભાગીનું ગંભીર ઇજાઓથી તત્કાળ મોત નીપજ્યું હતું.
બનાવ સ્થળે પહોંચેલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો હતો અને હથોડી સહિતના સાંયોગિક પૂરાવા એકત્ર કરી લીધા હતા.
હત્યાના આ બનાવ અંગે મનોજ કિશોર મીટેએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું કંડલાના પી.આઈ. એ. એમ. વાડાએ જણાવ્યું હતું.