સગીરાનું અપહરણ કરી તેને યાતના આપનારા ફરાર યુગલને 20 વર્ષના જેલવાસની સજા | મુંબઈ સમાચાર

સગીરાનું અપહરણ કરી તેને યાતના આપનારા ફરાર યુગલને 20 વર્ષના જેલવાસની સજા

ભુજઃ પૂર્વ કચ્છના અંજાર શહેરની ભાગોળે આવેલા વરસામેડી ગામમાં પડોશી પરિવારની ૧૩ વર્ષની પુત્રીનું અપહરણ કરી, નખત્રાણાની વાડીમાં લઈ જઈ શારીરિક યાતનાઓ આપવા સાથે વારંવાર દુષ્કર્મ આચરવા બદલ મૂળ મધ્યપ્રદેશના યુગલને અત્રેની નામદાર અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. અલબત્ત આ આરોપી યુગલ જામીન પર મુક્ત થઇ ગયાં બાદ લાંબા સમયથી ફરાર થઈ ગયું છે.

અંજાર સેશન્સ કોર્ટે આ આરોપી યુગલને તાત્કાલિક શોધી સજા ભોગવવા માટે પકડીને જેલહવાલે કરવા નિર્દેશ આપ્યો છે.
આ અપહરણ, દુષ્કર્મનો બનાવ ૧૭-૧૧-૨૦૧૯ની સાંજે બન્યો હતો, જેમાં ૧૩ વર્ષની બાળા પડોશમાં રહેતા નંદુ ભુવન ભીલ (ઉ.વ. ૩૫) અને તેની પત્ની નીતુ ઊર્ફે સુધાના ઘેર રમવા જતી હતી. બન્ને બાળા પાસે ખેતરમાં કામ કરાવતા હતા. ગુસ્સાવાળા સ્વભાવની નીતુ બાળાને અંગારાના ડામ દેતી રહેતી હતી અને પતિ નંદુ બાળાનું શારીરિક શોષણ કરતો રહેતો હતો. અપહરણની ઘટના અંગે બાળાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ૨૪ દિવસ સુધી ચાલેલી શોધખોળના અંતે આ અપહ્યત બાળા પોલીસને મળી હતી. જે તે સમયે પોલીસે આ યુગલની ધરપકડ કરી હતી બાદમાં જામીન પર છૂટીને મૂળ મધ્યપ્રદેશનું આ યુગલ ગાયબ થઈ ગયેલું.

આ ગંભીર ગુનામાં ફરિયાદ પક્ષે ૯૪ સાક્ષી અને ૨૮ દસ્તાવેજી આધાર-પુરાવા રજૂ કર્યા હતા. આ કેસમાં અંજારના બીજા અધિક સેશન્સ જજ કે.કે. શુક્લએ દંપતીને ઇન્ડિયન પીનલ કોડ અને પોક્સો એક્ટની તમામ કલમો તળે દોષી ઠેરવી બંનેને ૨૦ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી કુલ ૨૮ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભોગ બનનાર બાળાને બે લાખનું વળતર આપવા હુકમ કરી નાસતાં ફરતાં યુગલને ઝડપીને સજાનો અમલ કરાવવા પોલીસને નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો…કાર સાથે અપહરણ કરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપી ત્રણ મહિને પુણેમાં પકડાયો…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button