કચ્છમાં સર્જાયેલા જુદા-જુદા માર્ગ અકસ્માતના બનાવોમાં ચાર લોકોના મોત | મુંબઈ સમાચાર

કચ્છમાં સર્જાયેલા જુદા-જુદા માર્ગ અકસ્માતના બનાવોમાં ચાર લોકોના મોત

ભુજઃ અકસ્માતો ટાળવા માટેના ઘણા પ્રયત્નો થતાં હોવા છતાં સતત રસ્તાઓ પર લોહી રેડાયા કરે છે. કચ્છમાં 24 કલાકમાં ચાર જણે અકસ્માતમાં જીવ ખોયા છે. ગત મધ્યરાત્રીના સીમાવર્તી ખાવડા નજીક ટ્રેક્ટર-ટ્રોલી પલટતાં સર્જાયેલા જીવલેણ માર્ગ અકસ્માતમાં ૨૩ વર્ષીય સમીરકુમાર સૂરજ પાસવાન નામના પરપ્રાંતિય યુવકનું મોત થયું હતું જયારે ધાણેટીથી ઉખડમોરા મોટરસાઇકલ પર જતા ૩૫ વર્ષીય કાનજી પાંચા છાંગાને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હતું, બીજી તરફ રાપર તાલુકાના બામણસર પાસે બે ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પોના ચાલક વાલજી સેધા રાવળનું મોત નિપજ્યું હતું, તેમજ અંજાર તાલુકાના જૂની દુધઈ નજીક જીપકાર હડફેટે કુલદીપસિંઘ નહારસિંઘ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, હતભાગી સમીર અને સૂરજ નામના બે શ્રમિકો ટ્રેક્ટર ટ્રોલી લઇને એનજી કોલોનીથી સ્ટર્લિંગ વેલસ્પન જીએસએલ ખાતે રાત્રીના સમયે અન્ય કર્મીઓને ટિફિન આપવા માટે નીકળ્યા હતા, આ દરમ્યાન ખાવડા નજીક કોઈ કારણોસર ટ્રેક્ટર પલટી ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા સમીરકુમારે ટૂંકી સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો, જ્યારે સૂરજકુમાર હજુ સારવાર હેઠળ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ એક જીવલેણ અકસ્માતનો બનાવ ધાણેટી ગામથી ઉખડમોરા તરફ જતા કાચા માર્ગ પર બનવા પામ્યો હતો જેમાં ધાણેટી ગામના રામકૃષ્ણ નગરમાં રહેનાર કાનજી છાંગા ગત રાતે મોટરસાઇકલ લઈને ઉખડમોરા ખાતે રહેતા સસરાના ઘરે જઇ રહ્યો ત્યારે આ કાચા રસ્તા પર કોઇ અજાણ્યા વાહને તેને ટક્કર મારી દેતા ગંભીર રીતે ઘાયલ યુવકનું બનાવસ્થળે મોત નીપજ્યું હતું. પધ્ધર પોલીસે હાલ અજ્ઞાત વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દરમ્યાન, રાધનપુર-સામખિયાળી ધોરીમાર્ગ ઉપર આવેલા બામણસર ગામ પાસે બે ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં જીજે-૩૬-ટી-૭૨૧૮ નંબરના વાહનના ચાલકે વાલજી સેધા રાવળના ટેમ્પોને આગળથી ટક્કર મારી દેતાં ગંભીર ઈજાઓના કારણે હતભાગીનું બનાવસ્થળે જ મોત નિપજ્યું હતું.

માર્ગ અકસ્માતનો વધુ એક બનાવ અંજાર તાલુકાના જૂની દુધઈ નજીક બન્યો હતો, જેમાં જીજે-૧૨-એફઈ-૬૯૬૯ નંબરની મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક જીપકારના ચાલકે પગપાળા જઈ રહેલા કુલદીપસિંઘ નહારસિંઘને હડફેટે લેતાં ગંભીર ઈજાઓથી તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસે જીપકાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…મથુરાના યમુના એક્સપ્રેસ વે પર બે અકસ્માત, 6 લોકોના મોત 10 ઘાયલ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button