કચ્છમાં યોગ શિક્ષક સહિતચારના અકાળે મોતઃ બાળક પણ બન્યું અક્સમાતનો ભોગ

ભુજ: કચ્છમાં બનેલા વિવિધ અપમૃત્યુના બનાવોમાં ભુજના જાણીતા યોગ શિક્ષક સહિત ચારના અકાળે મોત નીપજયા છે. જિલ્લામાં સતત અકસ્માત અને આત્મહત્યાના બનાવો બની રહ્યા છે અને પુખ્તવયનાઓ સહિત બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે.
ભુજ તાલુકાના અકસ્માત ઝોન બની ચૂકેલા ખાવડા માર્ગ પર વેકરિયાના રણ અને ભીરંડિયારા વચ્ચે ટાટા નેનો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કચ્છના યોગ કો-ઓર્ડિનેટર હિતેશ પ્રવીણચંદ્ર કપૂર (ઉ.વ.૫૧)નું કમકમાટીભર્યું મોત થયું હતું, જયારે ગાંધીધામ તાલુકાના કિડાણામાં રિવર્સ આવતા છકડાએ લકી ભીમારામ બાલોટિયા (ઉ.વ. ૧૨) નામનાં બાળકને હડફેટમાં લેતાં માસૂમે જીવ ખોયો હતો, ચોપડવા નજીક પાછળથી આવતાં ટ્રેઇલરે આગળ જતી મોટરસાઈકલને ટક્કર મારી દેતાં શેરબાનુ સલેમાન ખલીફા (ઉ.વ. ૫૩)નું નીચે પટકાયા બાદ બીજું વાહન ફરી વળતાં મોત થતાં કમકમાટી પ્રસરી હતી, જયારે મુંદરામાં એક ૩૪ વર્ષના યુવકે અજ્ઞાત કારણોસર ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો: કચ્છમાં આપઘાત-અકસ્માતના જુદા-જુદા બનાવોએ પાંચ લોકોનો ભોગ લીધો
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં યોગ શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશ કપૂર બપોરના અરસામાં પોતાની નેનો કાર (નં. જીજે ૧૨ સીડી ૨૭૮૨)થી ખાવડા માર્ગ પરની એગ્રોસેલ કંપનીમાં યોગની તાલીમ આપવા માટે જઈ રહ્યા હતા. તેઓ વેકરિયાના રણ પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવેલા ડમ્પર સાથે અકસ્માત નડ્યો હતો. ભીષણ ટક્કર બાદ પલટી મારેલી કારમાંથી હિતેશભાઈ ફંગોળાયા હતા, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કરુણ બનાવને પગલે ગુજરાત અને સૌરાષ્ટ્રના યોગ પ્રભારી વિજયકુમાર શેઠ અને પૂર્વ કચ્છ જિલ્લાના યોગ કો-ઓર્ડિનેટર સંત રામદાસે શોક વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, કિડાણા ખાતે બનેલી કરુણાંતિકામાં પિતાની છત્રછાયા ગુમાવેલો, બે બહેનોનો નાનો એવો ભાઈ સોસાયટીમાં રમી રહ્યો હતો ત્યારે મિનરલ વોટરના કેરબાની ડિલિવરી કરવા આવેલા મીની ટેમ્પોના ચાલકે આસપાસ જોયા વિના વાહન રિવર્સમાં લેતા લકીને હડફેટમાં લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. છકડા ચાલક વિરુદ્ધ બાળકના માતા લલીતાદેવી બાલોટિયા (રેગર)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: ગાંધીધામના પડાણા લાગેલી આગમાં કરોડોના નુકસાનની ભીતિ, ભુજમાં પણ વિકરાળ આગ…
દરમ્યાન, ભચાઉમાં રહેનાર સુલેમાન ઇશા ખલીફા અને તેમના પત્ની શેરબાનું ગત સાંજે તેમના વાહન પર સવાર થઇને જૂની મોટી ચીરઇ વરાઇપીરના મેળામાં ગયા હતા. ત્યાંથી આ દંપતી ઘરે જઇ રહ્યું હતું. ત્યારે ચોપડવા નજીક પહોંચતાં પાછળથી આવી ચઢેલા કન્ટેનર ટ્રેલરે તેમના વાહનને ટક્કર મારી દેતાં પાછળ બેઠેલાં મહિલા રસ્તા પર પટકાયા હતા. આ વેળાએ પાછળથી આવતાં અન્ય ભારે વાહનના પૈડાં મહિલા પરથી ફરી વળતાં તેમનું પતિની નજર સમક્ષ અરેરાટીપૂર્ણ મોત થયું હતું. મૃતકના પતિએ અકસ્માત સર્જનારા ટ્રેલર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અન્ય અપમૃત્યુનો બનાવ બંદરીય મુંદરા ખાતે બહાર આવ્યો હતો જેમાં અહીં રહેનારા ભારત કિશોર ફોફિંડી (ઉ.વ.૩૪) નામના યુવકે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુંદરાના વર્ધમાનનગર-૨માં રહેતા હતભાગીએ પોતાના ઘરની બાજુમાં આવેલા અવાવરું કક્ષમાં કોઈ અકળ કારણે પંખામાં નાયલોનના પટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતાં મુંદરા પોલીસે બનાવ પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.