કચ્છમાં આત્મહત્યાના વિવિધ બનાવોમાં ચારના મોત

ભુજ: કચ્છમાં વીતેલા 24 કલાક દરમ્યાન બનેલી અપમૃત્યુની જુદી-જુદી દુર્ઘટનાઓમાં પાંચ લોકોના અકાળે મોત નીપજ્યાં છે. બંદરીય મુંદ્રાના ધ્રબ ગામના સીમાડામાં વહેતી નદી પાસેના ચેકડેમમાં નાહવા પડેલા મધ્યપ્રદેશના ૬૧ વર્ષના નારાયણ પુરાલાલ ચંદ્રવંશી નામના વૃઘ્ધનું ડૂબવાથી મોત નીપજ્યું હતું.
નખત્રાણા તાલુકાના વડવા કાંયામાં ૬૨ વર્ષના પ્રૌઢા ભજીબેન ભારમલ બુચિયાએ, જ્યારે માંડવીના નાગલપુરમાં આદિત્ય કૈલાસ રાજગોર નામના યુવાને અને ગાંધીધામના અંબાજી નગરમાં રહેનાર ભાવેશ કિશોર લકુમ (ઉ.વ. ૩૦) નામના યુવકે તેમજ ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં હમીર રાજા સોલંકી (ઉ.વ.૩૨) નામના યુવકે ગળેફાંસો ખાઇ પોતપોતાના જીવન ટૂંકાવી લીધા હતા.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુંદ્રાના ધ્રબ આસપાસના સીમ વિસ્તારમાં રહેનારા મૂળ મધ્યપ્રદેશના નારાયણ પુરાલાલ ચંદ્રવંશી નામના વૃદ્ધ ગત સાંજના સમયે આ વિસ્તારની સુરઇ નદીના ચેકડેમમાં તરતા ન આવડતું હોવા છતાં છલાંગ લગાવી દીધી હતી અને ડૂબી જતાં તેમનું મોત થયું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દરમ્યાન, માંડવી તાલુકાના નાગલપુર ગામે રહેતા અંદાજિત પચ્ચીસેક વર્ષના આદિત્ય કૈલાસ રાજગોર નામક યુવકે ગત મોડી સાંજે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ મોતનો માર્ગ અપનાવી લીધો હતો. મૃતક આદિત્ય વીજ કચેરીમાં લાઇનમેન તરીકે નોકરી કરતો હોવાનું માંડવી પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.
આવો જ અન્ય કિસ્સો નખત્રાણા તાલુકાના વડવા કાંયા ગામમાં બનવા પામ્યો હતો જેમાં અહીં રહેનારાં ભજીબેન ભારમલ બુચિયા નામના પ્રૌઢાએ મોડી રાત્રીના અરસામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પ્રાણ ખોયા હતા,જ્યારે પંચરંગી ગાંધીધામ શહેરના સેક્ટર-ચાર અંબાજી નગરમાં બનેલી કરુણાંતિકામાં ત્રણ બહેનોના એક ભાઇ તથા દોઢ વર્ષના બાળકના પિતા એવા ભાવેશ નામના યુવકે પોતાના ઘરે પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ લેતાં પોલીસે બનાવ અંગેની તપાસ હાથ ધરી છે.
દરમ્યાન, આત્મહત્યાનો અન્ય બનાવ ગાંધીધામની ભાગોળે આવેલા ગળપાદર ગામમાં રહેતા હમીર સોલંકી નામના યુવકે પણ પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.