કચ્છના આ નિર્જન માર્ગ પર લોકો શા માટે વી રહ્યા છેઃ જાણો કુદરતે કરેલી કમાલ વિશે

ભુજઃ કચ્છમાં આવેલા ઘડુલી-સાંતલપુર માર્ગ વચ્ચે નિર્જન કહી શકાય તેવા મૌવાણા રણ તરફ લોકોને જતા જોઈ ઘણાને નવાઈ લાગે છે, પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે અહીં સુંદર દૃશ્યો સર્જાયા છે. વાત જાણે એમ છે કે અહીં સુરખાબ પક્ષીઓએ ધામા નાખવાની શરૂઆત કરી દીધી છે.
ભાતીગળ પ્રદેશ કચ્છમાં આ વર્ષે અષાઢી બીજ પૂર્વે જ સચરાચર વરસાદનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે બીજી તરફ, ભારત-પાકિસ્તાનની ભૂમિ સીમા નજીકના કચ્છના રણમાં રા’લાખે જા જાની તરીકે ઓળખાતાં રૂપકડાં સુરખાબ પક્ષીઓનું સમયસર આગમન થયું હોવાના આનંદદાયક સમાચારો મળી રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે આ સુરખાબ પંખીઓ હાલ વાગડના ઘડુલી-સાંતલપુર માર્ગ વચ્ચે આવેલા નિર્જન એવા મૌવાણા રણમાં એક પછી એક ઉતરાણ કરી રહ્યા છે અને સારી એવી સંખ્યામાં સુરખાબ જોવા મળી રહ્યા હોવાનું ભુજના પ્રકૃતિપ્રેમી હર્ષ ધોળકિયાએ જણાવ્યું હતું.

જો પર્યાવરણીય સંજોગો અનુકૂળ હોય તો આ સુરખાબ જુલાઈ મહિનાના પ્રારંભથી કચ્છમાં આવે છે અને કચ્છના મોટા રણમાં ઈંડા મૂકી,પ્રજનન કરી,બાળ સુરખાબો ઉડતા થાય કે તરત જ નવેમ્બર મહિના સુધી ફરી પાછા અહીંથી સ્થળાંતર કરી જાય છે.
ઘણા વર્ષોથી યાયાવરોની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો
છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છના મોટા રણમાં વધેલી માનવીય ચહલપહલને કારણે કચ્છમાં આવતા આ વિદેશી યાયાવરોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે પણ આ વર્ષે સુરખાબનું આગમન સમયસર શરૂ થઇ જતાં પર્યાવરણ પ્રેમીઓમાં આનંદ ફેલાયો છે.
કચ્છમાં દર વર્ષે આવતા આ સુરખાબની ચાર પ્રકારની જાતો છે જે અમેરિકા અને કેરેબિયન ટાપુઓના વેસ્ટઇંડીઝ આસપાસના દેશોમાં જોવા મળે છે,જયારે આફ્રિકા,એશિયા અને યુરોપ ખંડમાં તેની ચાર પૈકીની માત્ર બે પ્રજાતિ જોવા મળે છે. ખડીરમાં ગ્રેટર અને લેઝર બન્ને પ્રકારના સુરખાબ વરસાદ પડયા બાદ હજારો કિલોમીટરની સફર ખેડીને આવે છે. હાલ લેઝર સુરખાબ આવ્યા છે. આગામી સમયમાં ગ્રેટર સુરખાબ પણ પડાવ નાખશે. આ વર્ષે વહેલા અતિભારે વરસાદ બાદ સાફ થયેલી આબોહવાના કારણે કચ્છ તરફ આવી રહેલા ફ્લેમિંગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે તેવી પક્ષી પ્રેમીઓની આશા છે.

કચ્છમાં આ નામથી ઓળખાય છે સુરખાબ
ઉલ્લેખનીય છે કે, હજારો ફ્લેમિંગો તેમના સમાગમ ચક્ર માટે,સામાન્ય ક્રેન્સ અને સેંકડો પેઇન્ટેડ સ્ટોર્ક,રેપ્ટર્સ અને સ્પૂનબિલ્સ સહિત અન્ય પક્ષીઓ કચ્છના મહેમાન બને છે. ભીની માટી યાયાવર પક્ષીઓ ઉપરાંત ચિંકારા, વરુ, કારાકલ, રણમાં જ જોવા મળતી દુર્લભ બિલાડીઓ અને રણના શિયાળને પણ આકર્ષે છે.
વરસાદના કારણે કચ્છ તરફ વહેતી નદીઓના પાણી અહીં ઠલવાય છે અને માટીના કારણે આ વિસ્તાર કાદવ યુક્ત બને છે જેમાંથી બેક્ટેરિયા પેદા થાય છે. આમાંથી સર્જાતી અલગી જેવી શેવાળ અને જંતુઓ સુરખાબનો મુખ્ય ખોરાક છે જેથી વિદેશી પક્ષીઓના રહેઠાણ માટે એક આદર્શ જગ્યા હોવાથી દર વર્ષે પોતાના ઋતુ પ્રવાસ દરમિયાન પક્ષીઓ આ સ્થળે રહેણાંક બનાવતા હોય છે.
રૂપકડાં સુરખાબ પક્ષીને કચ્છી બોલીમાં ‘હંજ’ કહેવાય છે. ક્ચ્છરાજના લોકપ્રિય રાજવી લાખો ફુલાણીના નામ સાથે જોડીને તેમને ‘રા લાખેજા જાની’ પણ કહેવાય છે. એશિયામાં સુરખાબના પ્રજનનનું સૌથી મોટું સ્થળ હંજબેટ છે. ઇરાન અને અફઘાનિસ્તાનમાં કચ્છથી સુરખાબ જતા હોવાના પુરાવા મળ્યા હોવાનું જાણીતા પક્ષીવિદ નવીનભાઈ બાપટે જણાવ્યું હતું.
આ પણ વાંચો…કચ્છના ઘોરાડ પક્ષીને બચાવવા સમિતિએ સુપ્રીમ કોર્ટને દરખાસ્ત કરીઃ પાવર સપ્લાઈ કંપનીઓમાં ઉચાટ