કચ્છમાં આપઘાત-અકસ્માતના જુદા-જુદા બનાવોએ પાંચ લોકોનો ભોગ લીધો

ભુજ: અંગ દઝાડતાં ભીષણ ગરમીના મોજાં વચ્ચે રણપ્રદેશ કચ્છમાં વીતેલા ૨૪ કલાકના સમયગાળા દરમ્યાન બનેલી વિવિધ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં પાંચ લોકોના અકાળે મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લહેર ફરી વળી છે.
માધાપરના કારીમોરી તળાવમાં સ્નાન કરવા ઉતરેલા ૨૪ વર્ષીય રવજી સુમાર કોલીનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું, નખત્રાણાના નવાનગર ખાતે રહેતા ૪૨ વર્ષના બાબુલાલ ખીમજી દવેએ પોતાની કેન્સરની અસાધ્ય બીમારીથી કંટાળીને જયારે ગાંધીધામ તાબેના મીઠીરોહરમાં ૧૭ વર્ષની રોશન અબ્બાસ લુહાર નામની તરુણીએ ગળેફાંસા ખાઇ આત્મહત્યા કરી લીધી હતી, બંદરીય મુંદરા તાલુકાના મોટા કાંડાગરામાં હાલ પડી રહેલી ગરમીએ કડિયાકામ કરતા માંડવીના ગોધરાના ૪૬ વર્ષીય હરેશ વેરશી ફુલિયાનો ભોગ લીધો હતો, જયારે મુંદરા-અંજાર ધોરીમાર્ગ ઉપર કાર,ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા ટ્રિપલ માર્ગ અકસ્માતમાં વાલજી પાંચાભાઈ ઝરૂ (ઉ.વ.૩૨)નું મૃત્યુ થયું હતું.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ભુજના માધાપર ગામના કેશરબાગ પાસે આવેલા કારીમોરી તળાવ નજીક જ રહેતો રવજી ગઇકાલે આ તળાવમાં નાહવા જતાં તે પાણીમાં ગરક થઇ ગયો હતો. રાતે ભુજ અગ્નિશમન દળને કોલ આવતાં ટીમ ઘટના સ્થળે સિલિંગ હૂક, બોટ તથા રેસ્કયૂ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી આદરી, વહેલી સવારે રવજીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ, નખત્રાણાના નવાનગરમાં રહેતા બાબુલાલ દવેએ તેના મોંઢાના કેન્સરની બીમારીથી કંટાળીને પોતાના ઘરના વાડામાં પતરાંના શેડમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આપઘાતનો વધુ એક કિસ્સો મીઠીરોહર ખાતેના બાવા ફળિયામાં બહાર આવ્યો હતો જેમાં અહીં રહેનારી રોશન નામની તરુણીએ ગત સાંજના સમયે લોખંડના એંગલમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
વધુ એક અપમૃત્યુનો કિસ્સો મુંદરાના મોટા કાંડાગરામાં બનવા પામ્યો હતો જેમાં બંદરીય માંડવીના ગોધરા ગામનો કડિયાકામ કરતો હરેશ ફુલિયા બપોરના અરસામાં નિર્માણાધીન ઇમારતમાં બપોરના ૪૨-૪૩ ડિગ્રી તાપમાન વચ્ચે પ્લાસ્ટર કામ કરી રહ્યો હતો તે વેળાએ ચક્કર આવતાં ઊંચાઇએથી નીચે પટકાતાં હરેશનું ગંભીર ઇજાના પગલે મૃત્યુ નીપજ્યું હતું.
દરમ્યાન, ભારે વાહનોની અવરજવરથી સતત ધમધમતા રહેતા મુંદરા-અંજાર ધોરીમાર્ગ ઉપર ગત ૨જી એપ્રિલના રોજ ટ્રેઇલર અને મારુતિ વેગન-આર કારની ટક્કરની વચ્ચે આવી ગયેલી મોટરસાઈકલને ચાલક વાલજી પાંચાભાઈ ઝરૂનું ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા ટૂંકી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતાં પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
આપણ વાંચો: થરાદમાં દર્શન કરી પરત ફરતા સમયે કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવાર પાંચનાં મોત