કચ્છમાં 24 કલાકમા પાંચ જણે અકાળે જીવ ખોયો

ભુજઃ સરહદી કચ્છમાં અપમૃત્યુનો વણથંભ્યો સિલસિલો જારી રહ્યો હોય તેમ વીતેલા ૨૪ કલાક દરમ્યાન એક વૃદ્ધ સહીત પાંચ લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં ગમગીની પ્રસરી ગઈ છે.
ગાંધીધામ તાલુકાના શિણાય ગામ મધ્યે આવેલાં તળાવમાં મિત્રો સાથે નાહવા ગયેલા બાબુ અરજણ જોલા(ઉ.વ.૩૬)નું ડૂબી જતાં તેનું મોત થયું હતું, જયારે કિડાણાનો ગૌરવ અર્જુનલાલ કુડિયા (ઉ.વ.૨૧) નામનો યુવાન અંતરજાળના તળાવમાં ડૂબેલી અવસ્થામાં મૃત મળ્યો હતો તેમજ ગાંધીધામમાં શંકર વીરચંદ રાવલ (ઉ.વ. ૩૫)એ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો, ભચાઉના ચોપડવા નજીક આગળ જતી ટ્રકમાં પાછળથી ડમ્પર અથડાતાં ડમ્પરચાલક ભરત ગામોટ (બ્રાહ્મણ) નામના યુવકે પોતાના પ્રાણ ગુમાવ્યા હતા, જયારે ભુજના હમીરસર તળાવ કાંઠે આવેલા ધીંગેશ્વર મહાદેવ મંદિર નજીકથી વૃદ્ધ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીધામના મહેશ્વરી નગર વિસ્તારમાં રહેનાર બાબુ જોલા નામનો યુવાન મિત્રો સાથે શિણાય આવ્યો હતો. અહીં તે તળાવમાં નાહવા જતાં કોઇ કારણોસર ઊંડા પાણીમાં ગરક થયો હતો.
બીજી તરફ, કિડાણાના રાધે નગરમાં રહેનાર ગૌરવ કુડિયા નામનો યુવક ગુમ થતાં ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ગુમનોંધ કરાવાઇ હતી અને પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમ્યાન અંતરજાળના પાતાળિયા હનુમાન મંદિર પાછળ આવેલાં તળાવમાંથી તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકે તળાવમાં ઝંપલાવીને આપઘાત કર્યો હશે કે અન્ય કોઈ કારણો હશે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
આપઘાતનો એક બનાવ ગાંધીધામના લીલાશાહ સર્કલ પાસે બન્યો હતો જેમાં અહીં રહેનાર શંકર રાવલ નામનો યુવાન ગઇકાલે પોતાના મકાને હતો દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર તેણે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો.
બીજી બાજુ જીવલેણ અકસ્માતનો બનાવ ભચાઉ તાલુકાના ચોપડવા ઓવરબ્રિજ પાસે બન્યો હતો. ભરત નામનો ચાલક ડમ્પર (નંબર જી.જે.-૩૯-ટી.એ.-૩૩૩૦)માં સૂરજબારીથી મીઠું ભરીને કંડલા તરફ આવી રહ્યો હતો. તે ચોપડવા પાસે પહોંચ્યો હતો ત્યારે આગળ જતી ટ્રક (નંબર આર. જે-૧૯-જી.એફ.-૭૬૩૯)ના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતું ડમ્પર તેમાં અથડાઈ પડતાં ભરતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને પ્રથમ ભચાઉ અને બાદમાં આદિપુર ખાતે સારવાર અર્થે લઇ જવાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે ધનજી સજાભાઇ બ્રાહ્મણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દરમ્યાન, ભુજના હમીરસર તળાવ સમીપે આવેલા ધીંગેશ્વર મહાદેવ મંદિર પાસેથી મુળ ભચાઉ તાલુકાના બાનીયારી ગામના વિરમ કમા રબારી (ઉ.વ.અંદાજીત ૬ર) મૃત હાલતમાં મળી આવ્યા હતા. ભુજમાં ભટકતું જીવન વ્યતિત કરનારા હતભાગીનું મૃત્યુ સંભવતઃ બિમારીના કારણે થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
આપણ વાંચો: ભુજના શેખપીર પાસેથી ૧૭ લાખના મેકડ્રોન (એમ.ડી) ડ્રગ્સ સાથે બે યુવકો ઝડપાયા