Kutch: મુંદરાના વડાલા ગામની નદીમાં અસંખ્ય માછલીઓના મોત
ભુજ: કચ્છના મુંદરા તાલુકાના વડાલા ગામની નદીમાં મોટા પ્રમાણમાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં અરેરાટી ફેલાઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાનગી કંપનીએ રસાયણયુક્ત પાણી છોડતાં માછલીઓના મોત થયાં છે. જો કે હજુ સુધી માછલીઓના મોત પાછળનું કારણ અકબંધ છે.
કંપનીના રસાયણયુક્ત પાણીથી મોતનો આક્ષેપ છેલ્લા કેટલાક સમયથી વડાલા ગામ પાસેથી પસાર થતી નદીની આસપાસ આવેલી ખાનગી કંપનીઓ પૈકી કોઈ કંપનીએ રસાયણયુક્ત પાણી છોડતાં માછલીઓના મોત થયાં હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. માત્ર માછલીઓ જ નહીં, પાણીના સાપો, પક્ષીઓના પણ મૃતદેહો દેખાયા હોવાનું તેઓએ જણાવ્યું હતું. માછલીઓના મૃતદેહો દરરોજ નદીના કિનારે તણાઈ આવે છે અને સંબધિત તંત્ર દ્વારા આ ગંભીર મામલાની દરકાર લેવામાં ન આવતાં જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે.
અનેક તળાવોમાં માછલીઓના મોત ઉલ્લેખનીય છે કે, કચ્છના જળાશયોમાં લગભગ દર વર્ષે અગમ્ય કારણોસર હજારો માછલીઓના મોત થઇ રહ્યા છે. ઠંડીમાં વધારા-ઘટાડાને કારણે અથવા તળાવમાં ઓછી થઇ ગયેલી ઓક્સિજનની માત્રાને લીધે જળચર જીવો મોતને ભેટી રહ્યા હોય તેવો તજજ્ઞોએ મત આપ્યો હતો જો કે, વરસાદ બાદ છલોછલ ભરેલાં ભુજના હમીરસર તળાવ, રુદ્રમાતા ડેમ, અંજારના સવાસર તળાવ તેમજ માંડવી શહેરના ઐતિહાસિક ટોપણસર તળાવમાં પણ તાજેતરમાં માછલીઓના ભેદી સંજોગોમાં મોત થયાં હતાં.
Also read:ગાંધીનગર બાદ હવે ભુજમાં સરકારી ભવનમાં આગઃ જાનહાની ટળી
શું કહ્યું તજજ્ઞોએ?
માછલીઓના મોત અંગે પૂછતાં જાણીતા બાયોલોજીસ્ટ ડો. પ્રણવ પંડ્યાએ જણાવ્યું હતું કે, વરસાદી પાણી સાથે અન્ય હાનિકારક તત્વોથી મિશ્રિત પાણી પણ જળાશયમાં જમા થતું હોય છે તેમજ પાણીમાં રહેલાં શેવાળ અને અન્ય પરિબળો ઓક્સિજન ગ્રહણ કરતા હોવાથી જળાશયમાં ઓક્સિજનની લેવલ નોંધપાત્ર રીતે ઘટી જવાથી અનેક માછલીઓના મોત સર્જાઈ શકે છે. માછલીના મૃતદેહનું લેબ ટેસ્ટિંગ કર્યા બાદ જ સાચું કારણ જાણવા મળે તેમ તેમણે ઉમેર્યું હતું.