દેશનો પહેલો પ્રોજેક્ટ જ્ઞાનજ્યોતિ કચ્છમાંઃ પ્રવાસી શિક્ષકોને ઘટવાળી શાળાઓમાં મોકલી દેવાયા | મુંબઈ સમાચાર
ભુજ

દેશનો પહેલો પ્રોજેક્ટ જ્ઞાનજ્યોતિ કચ્છમાંઃ પ્રવાસી શિક્ષકોને ઘટવાળી શાળાઓમાં મોકલી દેવાયા

ભુજઃ દેશભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત એક કાયમનો પ્રશ્ન બની છે અને આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકોનો અભ્યાસ કોરાણે પડી રહે છે ત્યારે, દેશભરમાં કચ્છની એક સેવાકીય સ્વૈચ્છિક સંસ્થા દ્વારા શિક્ષકોની આવી ઘટ પૂરી પાડવા એક ખાસ યોજના અમલી બનાવાઈ છે.

શિક્ષકોની ભરતીની કાર્યવાહી લાંબો સમય સુધી ચાલતી હોય છે ત્યારે આ ભરતી પ્રક્રિયાથી શરૂ કરીને નિમણૂકના હુકમો અપાય તે લાંબા સમયગાળા દરમ્યાન માનદ વેતનથી શિક્ષિત યુવા બેરોજગારોને હંગામી ધોરણે શિક્ષક તરીકેની જવાબદારી સોંપીને તેને જે-તે શાળાએ મોકલી દેવાનું આ સંસ્થા દ્વારા શરૂ કરાયું છે. કચ્છની સર્વ સેવા સંઘ સંસ્થા દ્વારા આ નવતર પ્રકારની કાર્યવાહીનું અમલીકરણ પણ શરૂ કરાઈ દેવાયું હોવાનું સંસ્થાના મોવડી જીગર તારાચંદભાઇ છેડાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: કચ્છમાં અષાઢી મેઘાની ઝમકદાર બેટિંગઃ ચોમેર વરસાદ…

તેમના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહી માટે કચ્છના કાંઠાળ એવા મુંદરા તાલુકાની પસંદગી કરાઈ છે અને ત્યારબાદ આ પ્રકલ્પની સફળતાનો અભ્યાસ કરીને તેને કચ્છના અન્ય અંતરિયાળ વિસ્તારોમાં પણ લાગુ કરવાની નેમ છે. આ પ્રકલ્પને ‘જ્ઞાન જ્યોતિ’ નામ અપાયું છે અને તે અન્વયે ૧૫૦ જેટલા પ્રવાસી શિક્ષકોને નિયુક્તિ પત્રો આપીને, તેમને શિક્ષકોની ઘટ ધરાવતી મુંદરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મોકલી પણ દેવાયા છે અને શિક્ષકોની ઘટ વાળી શાળાઓમાં, પ્રવાસી શિક્ષકોના આગમનથી શિક્ષણ કાર્ય ધમધમતું થયું છે. જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા સરકાર અને તંત્ર સાથે સહભાગી બની, આ યોજના કાર્યાન્વિત કરી દેવાઈ છે. હાલ કચ્છમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં હોઈ, હાલ તુરંત આવી વ્યવસ્થા શાળાઓના પ્રથમ સત્ર સુધીની કરાઈ હોવાનું, જીગર તારાચંદભાઇ છેડાએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, દરેક પ્રવાસી શિક્ષકને રૂપિયા ૯૦૦૦નો માસિક પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે અને તેનું ચુકવણું પણ આગોતરું કરી દેવાયું છે. આ પ્રકલ્પને કારણે કચ્છમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન હળવો બની રહે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: હવે કચ્છની બચેલી માત્ર ત્રણ માદા ઘોરાડને રેડિયો કોલર ટેગ લગાવાશે

સમગ્ર પ્રકલ્પનો ખર્ચ સર્વ સેવા સંઘના જીગરભાઈ છેડા દ્વારા વ્યક્તિગત ઉઠાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના દિગ્ગ્જ નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી સ્વ.તારાચંદભાઇ છેડાએ સર્વ સેવા સંઘની સ્થાપના કરી હતી અને છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી આ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કચ્છમાં અનેક પ્રકારના સમાજોપયોગી કર્યો હાથ ધરવામાં આવ્યાં છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button