કચ્છમાં આગજનીના સેંકડો બનાવઃ ગૌશાળામાં ફટાકડાથી આગ, 900 મણ ઘાસચારો ખાખ

ભુજઃ દીપોત્સવી પર્વની અવનવા ફટાકડા ફોડીને કરવામાં આવેલી ઉજવણી દરમ્યાન રણપ્રદેશ કચ્છમાં આગજનીના નાના-મોટા સેંકડો બનાવો સામે આવતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા, સદ્ભાગ્યે જાનહાની ટળી હતી પરંતુ માલસામાનનું વ્યાપક નુકસાન થયું હતું.

અગ્નિશમન દળના પ્રદીપભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર, દિવાળી પર્વ દરમ્યાન ભુજ નગરપાલિકા વિસ્તારમાં નાના મોટા આગના અંદાજે ૧૬ જેટલા બનાવો બનવા પામ્યા હતા જયારે ગાંધીધામ વિસ્તારમાં ૧૨થી વધુ આગજનીના બનાવો બનવા પામ્યા હતા. આ દિવાળીમાં સૌથી મોટી આગ અંજાર તાલુકાના સત્તાપર ગામમાં આવેલી એક ગૌશાળામાં બની હતી જેમાં રાત્રિના સમયે ફટાકડાના તણખા ઝરતા આગ ફાટી નીકળતાં અહીં સંઘરવામાં આવેલો લગભગ ૯૦૦ મણ જેટલો ઘાસચારો સળગીને રાખ બની જવા પામ્યો હતો અને અહીં લાખો રૂપિયાની નુકસાની થઇ હોવાનો અંદાજ હાલ લગાવાઈ રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે, દિવાળી પર્વ નિમિત્તે આસપાસના રહીશો દ્વારા ફોડવામાં આવેલા ફટાકડાના તણખલા ગૌશાળાના ગોડાઉનમાં રાખેલા ઘાસચારા પર ખરતાં આગ લાગવાની શરૂઆત થઇ હતી. ઘાસચારાના મોટા જથ્થામાં આગ ઝડપથી ફેલાઈ જતાં તેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે વરસામેડીમાં સ્થિત વેલસ્પન અને સુમોલન કંપનીની ફાયર ટુકડીઓ તેમજ અંજાર નગરપાલિકાના ફાયર ફાઈટરોએ લગભગ ૧૫ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી, ભારે જહેમત બાદ દવાનળને કાબુમાં લેતાં સૌએ રાહતનો દમ લીધો હતો. સ્થાનિક ગ્રામજનો, યુવાનો અને મુરલીધર ગૌસેવા સમિતિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સમયસૂચકતા વાપરીને અબોલ પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના જીવ બચાવી લીધા હતા.
દરમ્યાન, દિવાળીની અંધારી રાત્રે સતત ક્યાંકને ક્યાંક ફટાકડાને કારણે આગ લાગવાની ખબર મળતી રહી હોવાનું ફાયર વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું.
આપણ વાંચો: સાવધાનઃ દિવાળીના દિવસે ગુજરાતમાં 5300થી વધુ ઇમરજન્સી કેસ, 58 લોકો દાઝ્યાં