સામખિયાળીમાં ખાનગી ડબલડેકર બસમાં ભયાનક આગ, સદ્નસીબે જાનહાનિ નહીં

ભુજઃ તાજેતરમાં પાડોશી રાજ્ય રાજસ્થાન ખાતે એક લકઝરી બસમાં લાગેલી ભીષણ આગમાં ૨૦થી વધારે મુસાફર જીવતા ભૂંજાયા હોવાની દુર્ઘટના હજુ લોકોના માનસપટ પર તાજી છે તેવામાં કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી ખાતેના સૂરજબારી ટોલ પ્લાઝા નજીક અહીંથી પસાર થઇ રહેલી ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, ગત રાત્રે ભુજથી નીકળેલી ડબલડેકર ખાનગી લક્ઝરી બસ સૂરજબારી ટોલ પ્લાઝાથી થોડે આગળ ભચાઉના શિકારપુર નજીક પહોંચી ત્યારે અચાનક પાછળની બાજુએથી ધુમાડા નીકળ્યા બાદ આ બસમાં જોતજોતામાં આગ ફાટી નીકળી હતી. સમયસૂચકતા વાપરીને બસચાલકે ઇલેક્ટ્રોનિક દરવાજાને તાત્કાલિક ખોલી, રસ્તાની સાઈડમાં ઉભી રાખી દીધી હતી અને અંદર રહેલા તમામ મુસાફરો સળગતી બસમાંથી હેમખેમ બહાર આવી ગયા હતા.
આ ઘટનાને પગલે કચ્છનો આ મહત્વનો માર્ગ અવરોધાયો હતો અને ૬થી ૭ કિ.મી. સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આગના બનાવ અંગે ભચાઉ અગ્નિશમન દળને જાણ કરાતાં ટીમ ત્યાં દોડી આવી હતી. ભારે ટ્રાફિકના પગલે અગ્નિશમન દળને પણ બનાવ સ્થળે પહોંચવામાં વાર લાગતાં બસ સળગીને રાખ બની ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.