કચ્છઃ ‘આજે તો તને પતાવી જ દેવો છે’,કહી ફિલ્મી ઢબે કાર આંતરી હુમલો કર્યો
સગીર પુત્રીને ફસાવનારા યુવાનને ઠપકો આપતાં બની ઘટના

ભુજઃ તાજેતરમાં કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામે વહેલી સવારના પોતાની ફરજ બજાવવા બસ સ્ટોપ પાસે બસની રાહ જોઈ રહેલી યુવતીને તેણીના પ્રેમી દ્બારા તલવાર અને ગુપ્તી વડે રહેંસી નાખવાનો બનાવ લોકોના માનસપટ પર તાજો જ છે તેવામાં અંજારમાં એક નબીરાએ તેની પ્રેમી સગીરાના પિતા પર સાગરીત સાથે મળીને ફિલ્મી ઢબે સરાજાહેર ઘાતક હુમલો કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
અંજારના મેઘપર બોરીચીમાં રહેતા ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની ૧૭ વર્ષની સગીર દીકરીને નજીકમાં આવેલી સોસાયટીમાં રહેતા હૃદય અનિલ નાવાણી નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી હોવાનું અને પુત્રી જોડે તે અવારનવાર ફોન પર વાતચીત કરતો રહેતો હોવાનું તેમના ધ્યાનમાં આવતાં તેના ઘરે સમજાવવા માટે ગયા હતા. હૃદયના માતા પિતાની હાજરીમાં તેને ‘હજુ તમારા બંનેની ઊંમર નાની છે’ તેમ કહી ઠપકો આપીને ઘરે પરત ચાલ્યા ગયા હતા.
આ પણ વાંચો: અમેરિકામાં આતંકવાદી હુમલો, ઇસ્લામિક સ્ટેટની એન્ટ્રી
ત્યારબાદ ગત બુધવારે સવારે નિત્યક્રમ મુજબ ફરિયાદી તેમની કાર લઈને ધંધાના સ્થળે જવા નીકળ્યાં હતા ત્યારે ગત રાત્રે મળેલા ઠપકાનો ખાર રાખીને હૃદય નાવાણીએ તેની કારથી સગીરાના પિતાની કારનો ગેંગસ્ટરની માફક પીછો કરવાનો શરૂ કર્યો હતો. સગીરાના પિતા સાપેડા પાસે પહોંચ્યા ત્યારે હ્રદયે ફિલ્મી ઢબે તેમની કારને ઓવરટેક કરી આંતરી હતી. બાદમાં આરોપી તેના સાગરીત સાથે હાથમાં લોખંડનો પાઈપ લઈને બહાર નીકળ્યો હતો.
આ પણ વાંચો: અફૅરની શંકા પરથી છોકરીના પિતા અને ભાઈઓએ હુમલો કરતાં સગીરનું મોત
સાગરીતે ફરિયાદીને કારમાંથી બહાર કાઢી, પકડી રાખ્યા હતા અને ‘આજે તો તને પતાવી જ દેવો છે’ કહી ફરિયાદીના માથા પર પાઈપ ફટકારવી શરૂ કરી દીધી હતી. મારથી બચવા ફરિયાદીએ જમણો હાથ આડો કરતાં હાથમાં પણ અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી.
આ દરમ્યાન લોકોના ટોળા ભેગાં થતાં બંને હુમલાખોરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા જયારે લોહીથી ખરડાયેલા ફરિયાદી એક કારને અટકાવી તેની મદદથી અંજારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયાં હતાં.હુમલા બાદ હૃદયે ‘તારા પતિને ઢોરમાર માર્યો છે અને સાપેડા પાસે પડ્યો છે, તેને ઉપાડી આવજે’ એવો ફરિયાદીની પત્નીને ફોન પણ કર્યો હતો. અંજાર પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.