અંજારમાં પ્રેમસંબંધનો કરુણ અંત: CRPF જવાન મિત્રએ જ મહિલા ASIની કરી હત્યા

ભુજ: કચ્છના અંજાર પોલીસ મથકમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલાં અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫)ની ગત રાત્રે સીઆરપીએફમાં ફરજ બજાવતા પુરુષ મિત્રએ ઘરમાં ગળું દબાવી હત્યા કરી નાખતા સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.
આપણ વાંચો: બે પરિવાર વચ્ચેના ઝઘડામાં કોન્ટ્રેક્ટરના ભાઇની ગળું દબાવી હત્યા: પાંચ પકડાયા
મૃતક મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની
મળતી વિગતો અનુસાર મૃતક અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટી-રમાં રહેતાં હતાં. ગત મોડી રાત્રે અરુણા અને તેના પુરુષમિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને ઝઘડો થયો હતો જેમાં દિલીપે પિત્તો ગુમાવીને અરુણાનું ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનું અત્યારસુધીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. અરુણાની હત્યા કર્યા બાદ દિલીપ સામેથી અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો.
પારિવારીક બાબતમાં બોલાચાલીમાં હત્યા
પ્રાથમિક દિલીપ પણ સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સમાં ફરજ બજાવે છે અને મણિપુર ખાતે પોસ્ટિંગ થયેલું છે. બંને લાંબા સમયથી એકમેકના પ્રેમસંબંધમાં હતા અને ટૂંક સમયમાં લગ્ન કરવાનું પણ આયોજન કરતાં હતા. રાત્રે પારિવારીક બાબતમાં બોલાચાલી થતાં અરુણાએ દિલીપની માતા વિશે એલફેલ બોલવાનું શરુ કરતાં દિલીપે હત્યા કરી નાખી હતી. બનાવના પગલે અંજાર પીઆઈ એ.આર. ગોહિલ સહિતની ટુકડીએ તપાસ શરૂ કરી છે.