દાંત ચમકાતી ટૂથપેસ્ટ પણ નકલીઃ રાપરના ચિત્રોડમાં નકલી ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

ભુજઃ તાજેતરમાં ભુજ પાસે નકલી ખાદ્ય ઘી બનાવતું કારખાનું પકડાયું હતું ત્યારે હવે સીમાવર્તી રાપરના ચિત્રોડ નજીક નકલી કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી મિની ફેક્ટરી ઝડપાતાં ભારે ચકચાર પ્રસરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ચિત્રોડ ગામમાં સરકારી દવાખાનાની બાજુમાં મુકેશ રણછોડ મણોદરા (પટેલ)નાં ૧૦ શટરવાળાં શોપિંગ સેન્ટરમાં નલિયા ટીમ્બાનો નરપત ઉર્ફે નારૂ ડાયા મકવાણા નામનો શખ્સ નકલી કોલગેટ ટૂથપેસ્ટ બનાવતો હોવાની મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને અહીંથી રાજેશ ડાયા મકવાણા (રાજપૂત), સુરેશ મહેશ ઊમટ નામના શખ્સોને ઝડપી પાડયા હતા.
આ દુકાનમાં જુદી-જુદી મશીનરી લગાવી કોલગેટ પામોલીન કંપનીની નકલી ટૂથપેસ્ટ બનાવવામાં આવતી હતી. અહીંથી પેકેજિંગ મશીન, હોટ પાવર ગન, એસ્ટ્રલ વેટરા ઈન્સ્ટ નંગ-૬, વાદળી રંગના ૫૦ કિલોના ૧૪ ડ્રમ, ખાખી રંગના ૨૪ કાર્ટૂન બોક્સ,કોલગેટ જેવી ક્રિમ ભરવાના ખાલી ટયુબના ૭૬૫ ખોખાં, ટયુબ ભરવાના લાલ-વાદળી રંગના પ્રિન્ટેડ કાગળના બોક્સના ચાર કાર્ટૂન,લાલ-વાદળી રંગના ટયુબના બાંધા નંગ-૧૬૨, સફેદ ક્રીમ જેવી કોલગેટ ભરેલ ટયુબનો ઢગલો નંગ ૬૧૫૦,સાત કિલો પારદર્શક પ્લાસ્ટિક, ટયુબ પર લગાવવાના લાલ રંગના ઢાંકણા ૧૨ કિલો, પ્લાસ્ટિકના ૧૧ બોક્સ, ખાખી રંગના ૧૦ બોક્સ વગેરે મળીને કુલ રૂા. ૯,૪૩,૫૭૪નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
નકલી ફેક્ટરી અંગે કોલગેટ કંપનીને જાણ કરાતાં સાણંદથી કચ્છ દોડી આવેલા લક્ષ્મણ ચોલાઈ વિશ્વકર્માએ ફરિયાદ નોંધાવી હતી.
કોલગેટ કંપનીના ટૂથપેસ્ટની નકલી ટૂથપેસ્ટ બનાવી કોલગેટ પામોલીન કંપનીના પરવાના વગર તેનું ઉત્પાદન કરી કોપીરાઈટનો ભંગ કરી, માનવ શરીરને નુકસાનકારક વસ્તુઓનાં વેચાણ અર્થે ઉત્પાદન કરનારા આ શખ્સોએ ફરિયાદીની કંપનીના નામનો ઉપયોગ કરી છેતરપિંડી આચરી હતી.
દરોડા સમયે દરમ્યાન હાજર ન મળેલા નટવર અજા ગોહિલ તથા નરપત ઉર્ફે નરૂ ડાયા મકવાણા નામના શખ્સોને ઝડપી લેવા માટે કાર્યવાહી આરંભી છે.