ભુજ

ફાગણ મહિને કચ્છમાં ગુલાબી વાતાવરણ: ભુજ-નલિયામાં હિલ સ્ટેશનનો અહેસાસ

ભુજ: ફાગણ મહિનો અડધો વીતી ચુક્યો છે ત્યારે ઋતુ સંધીકાળના શરૂ થઇ ચૂકેલા સમયગાળા દરમ્યાન દેશના પહાડી વિસ્તારોમાં અચાનક આવેલા બરફના તોફાન બાદ ઉત્તર ભારતમાં પડી રહેલી કાળઝાળ ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો છે અને શિયાળાની ઋતુ દરમ્યાન એકધારા સિંગલ ડિજિટ લઘુતમ તાપમાન સાથે ઠરીને ઠીકરું થઇ જનારા નલિયામાં ગ્રીષ્મઋતુના આગમનના એંધાણ આપતું 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા, વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાઈ હતી અને મહત્તમ તાપમાનનો પારો પણ ઊંચે ચઢીને 34 ડિગ્રી પર પહોંચી જતાં ઠંડી ગાયબ જ થઇ ગઈ છે.

ભુજ શહેર બન્યું ઠંડી મુક્ત

નલિયા ઉપરાંત ભુજમાં પણ ઉત્તર દિશાનાં પવનો ફૂંકાવા ઓછા થવાની સાથે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સે, જયારે લઘુતમ તાપમાન 19 ડિગ્રી પર પહોંચી જતાં ભુજ શહેર જાણે ઠંડી મુક્ત શહેર બન્યું છે. કચ્છના રણકાંઠાનાં વિસ્તારો ખાવડા,બન્ની, ધોળાવીરામાં પણ ગરમીની આણ વર્તાઈ રહી છે તેમજ માંડવીમાં મહત્તમ આંક 31 ડિગ્રી અને લઘુતમ આંક 18 ડિગ્રી પર રહેતાં વાતાવરણ આહલાદાયક બન્યું છે.

તાપમાનનો આંક 2થી 4 ડિગ્રી વધ્યો

કચ્છના મોટાભાગના મથકોમાં તાપમાનનો આંક 2થી 4 ડિગ્રી જેટલો ઊંચે ચઢી જતાં ઠંડીથી ભારે રાહત થઇ છે. ભેજના પ્રમાણમાં વધારો થતાં વહેલી સવારે ઠંડીના ચમકારા સાથે ઝાકળવર્ષાથી માર્ગો ભીંજાયેલા જોવા મળી રહ્યા છે. આગામી હોળી પર્વ સુધી દિવસ ગરમ અને રાત ઠંડીનો વિષમ માહોલ જળવાયેલો રહેશે તે પછી તબક્કાવાર તાપમાન વધવાની સાથે ઠંડીનું પ્રમાણ ઘટશે અને વહેલી સવારે અને રાત્રીના પડતી આંશિક ઠંડી પણ અલોપ થતી જોવા મળશે તેમ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : અસાંજો કચ્છઃ ભુજના વાતાવરણમાં ‘ધરખમ’ ફેરફારઃ કાચી કેરીનું આગમન

દરમ્યાન, તાજેતરમાં પહાડી વિસ્તારોમાં થયેલી બરફ વર્ષને પગલે ઠંડી સંપૂર્ણપણે ગાયબ થઇ ન હોવાથી શરદી, ખાંસી સાથે વાયરલ તાવ પણ દેખાતો હોવાથી અત્યારે ચાલી રહેલા ઋતુ સંધિકાળના સમયગાળામાં લોકોને વધુ સાવચેત રહેવાની સલાહ નિષ્ણાત તબીબો આપી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button