કચ્છના કંડલા એરપોર્ટને આરડીએક્સ જેવા વિસ્ફોટકોથી ઉડાવી દેવાના ઈ-મેઈલથી દોડધામ
એરપોર્ટની સઘન તપાસ દરમ્યાન કોઈ વિસ્ફોટકો ન મળતાં હાશકારો

ભુજ: દેશના ઘણા શહેરોમાં સ્કૂલ, એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાના ઈમેલના કેસ બની રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ખાતે આવેલા કંડલા એરપોર્ટને આરડીએક્સથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેલ મળતાં હરકતમાં આવી ગયેલી સુરક્ષા એજન્સીઓએ કંડલા એરપોર્ટને કોર્ડન કરી લઈને હાથ ધરેલી સઘન તપાસ બાદ કાંઇ ન નીકળતાં હાશકારો અનુભવ્યો હતો.
વરસામેડી સ્થિત કંડલા એરપોર્ટ ઉપર રાબેતા મુજબ ગતિવિધિઓ ચાલી રહી હતી એ દરમ્યાન એરપોર્ટના ઇ-મેલ એડ્રેસ ઉપર એક અજ્ઞાત શખ્સનો મેલ આવ્યો હતો, જેમાં નમસ્કાર એરપોર્ટની આસપાસ મૂકવામાં આવેલા બેકપેકમાં શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણો છૂપાયેલા છે. તમારે તાત્કાલિક ઇમારતો ખાલી કરવી પડશે. તમારે ઉતાવળ કરવી પડશે, નહીંતર મોટી જાનહાની થશે એ પ્રકારનું લખાણ હતું.
આ ઇ-મેલ વાંચીને એરપોર્ટના ટર્મિનલ મેનેજર અંશુમન તિવારીએ ત્વરિત જાણકારી આપતાં ધસી ગયેલી પોલીસે બૉમ્બ ડીસ્પોસેબલ સ્ક્વોડ, ગંધ પારખું શ્વાન વગેરેને સાથે રાખીને સમગ્ર એરપોર્ટના ખૂણેખૂણાની સઘન તપાસ હાથ ધરી હતી, પરંતુ તપાસ દરમ્યાન કાંઇ ન નીકળતાં સૌએ રાહતનો દમ લીધો હતો.
બધાને દોડતા કરી દેનારા ધમકીભર્યા ઇ-મેલ કરનારા અજાણ્યા ઇ-મેલધારક વિરુદ્ધ એરપોર્ટના ઇન્ચાર્જ ડાયરેક્ટર ભગવંતસિંઘ હુકમસિંઘે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યંત મહત્વના કંડલા એરપોર્ટને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ અગાઉ પણ આવી ચૂક્યો છે, જેમાં હજુ સુધી કોઈ કડી મળી નથી. પાકિસ્તાનને અડકીને આવેલા કચ્છ જેવા સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ જિલ્લામાં આ પ્રકારની ગતિવિધિઓ વારંવાર થવી એ બાબત અત્યંત ગંભીર હોવાનું સુરક્ષાના જાણકારો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો…ઉત્તર પ્રદેશના આગ્રા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, તાજમહેલ પાસે ફાયરિંગ…