આ કારણે કચ્છ પોલીસ વડાએ દોડની પરીક્ષા મોકૂફ રાખી

ભુજઃ હાલ પડી રહેલી ચૈત્ર માસની કાળઝાળ ગરમી વચ્ચે બેરોજગારોને માનદ્ વેતન પર જીઆરડી તેમજ એસઆરડીની નોકરી મેળવવા માટે પશ્ચિમ કચ્છના પોલીસ વડા દ્વારા આયોજીત દોડની પરીક્ષાનું તઘલખી આયોજન મોકૂફ રાખ્યું છે.
મોસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી જાનલેવા હિટવેવની આગાહીના કારણે ધગધગતા ડામરના રસ્તા પર દોડ લગાવનારા ઉમેદવારોની સલામતી ધ્યાને રાખી આ પરીક્ષાને ખુદ પોલીસ વડા દ્વારા મોકૂફ રખાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સીમાવર્તી કચ્છમાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં ૧૩૮૯ પુરુષો અને ૧૮૫ મહિલાઓ મળી કુલ ૧૫૭૪ ઉમેદવારોની ફેબ્રુઆરી માસમાં અરજીઓ મગાવાઈ હતી. સેંકડો અરજીઓ મળ્યાં બાદ ઉમેદવારો માટે ૧૫ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમિયાન આ દોડની પરીક્ષાનું આયોજન થયું હતું. આ દોડની પરીક્ષા માટે જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં યોગ્ય મેદાન ના મળતાં ઉમેદવારોને પરોઢે ૫ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યાના સમય દરમિયાન એરપોર્ટ રોડ પર ખારી નદી ચોકડી, ભૂતનાથ મહાદેવ નજીક કેન્યન હોટેલ, હ્યુન્ડાઈ સર્વિસ સ્ટેશનથી ટોયોટા શો રૂમ સુધીના રસ્તા પર દોડાવવા નક્કી કરાયું હતું.
એપ્રિલની શરૂઆતથી જ ઉનાળો ચરમસીમાએ પહોંચ્યો છે. દિવસનું તાપમાન ૪૩ ડિગ્રીથી ૪૫ ડિગ્રી વચ્ચે રહેવા માંડ્યું છે. રાત્રિની ગુલાબી ઠંડક પણ ગાયબ થવા સાથે લઘુત્તમ તાપમાન ઊંચે ગયું છે. ત્યારે, આવા સંજોગોમાં પરીક્ષાના નામે હજારો મજબુર બેકાર ઉમેદવારોને જાહેર માર્ગ પર દોડાવવા માટે આયોજીત આ પરીક્ષા મામલે હાલમાં નિમણુંક પામેલા જિલ્લા સમાહર્તા આનંદ પટેલે પણ વગર વિચાર્યે દોડના રૂટ પર અન્ય વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામું પ્રગટ સુધ્ધાં કરી દીધું હતું!.
આ પરીક્ષાના આયોજન અંગે ઉમેદવારો અને તેમના પરિવારમાં ભારે ચણભણાટ પ્રવર્તતો હતો. જો કે, હાલ પૂરતી આ પરીક્ષા હિટ વેવના કારણે મોકૂફ રહેતાં હાશકારો થયો છે.
આપણ વાંચો: અંબાજીમા ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ સુધી બંધ રહેશે