સતત ભેજવાળા વાતાવરણને લીધે કચ્છમાં ઓછી જોવા મળતી વનસ્પતિ ઊગી નીકળી

ભુજઃ કચ્છ-સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે આ ચોમાસાની શરૂઆતમાં જ ખુબ વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે સારા ચોમાસાને પગલે કચ્છમાં ઘણા વર્ષો પછી ઠેર ઠેર બિલાડીના ટોપ ફૂટી નીકળ્યા છે.
રણપ્રદેશ કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી ઝડપી ઔદ્યોગિકીકરણ અને વધતા જતા વાહન-વ્યવહાર, ઠેર ઠેર નિર્માણ પામી રહેલાં નવાં મકાનોને કારણે બિલાડીના ટોપ મહદઅંશે નામશેષ થઇ જવા પામ્યા હતા પણ આ વર્ષે લાંબા સમયથી રહેલાં ભેજીયા વાતાવરણને કારણે બિલાડીના ટોપ ઘણી જગ્યાઓએ જોવા મળી રહ્યા છે.
બિલાડીના ટોપ સામાન્ય રીતે રસ્તાની સમાંતર બાજુઓએ, ઝાડના થડને અડીને, ખેતરોના શેઢા પર કે જંગલ વિસ્તારમાં વર્ષાઋતુ દરમ્યાન ફૂટી નીકળતાં હોય છે.
આપણે જેને મશરૂમ તરીકે ઓળખીએ છીએ તે એક જાતના બિલાડીના ટોપ જ છે. બિલાડીનો ટોપ છત્રી આકારનો હોય છે અને તેનાં મૂળિયાને મિસીં તંતુ કહેવામાં આવે છે જે જમીનમાંથી પોષક તત્વો શોષીને જમીનની સપાટી બહાર છત્રી આકારનું ફળ બનાવે છે જેને મશરૂમ પણ કહેવામાં આવે છે.
સમગ્ર વિશ્વમાં બિલાડીના ટોપની લગભગ ૩૩૦૦ જેટલી જાતિઓ થાય છે અને તેમાં વનસ્પતિનું મૂળ દ્રવ્ય એવું ક્લોરોફિલ હોતું નથી. બિલાડીના ટોપની ઊંચાઈ બે સેન્ટીમીટરથી શરૂ કરી ૪૦ સેન્ટિમીટર સુધીની હોઈ શકે છે.
બિલાડીના ટોપ સફેદ,પીળા,નારંગી,લાલ અથવા બદામી રંગના હોય છે જો કે કચ્છ અને ગુજરાતના વગડાઓમાં ચોમાસામાં દેખાતા બિલાડીના ટોપ સફેદ રંગના જ હોય છે. બિલાડીના ટોપના બધા પ્રકારો ખાદ્ય નથી હોતા અને તેના કેટલાક પ્રકારો અત્યંત ઝેરી છે તેથી જ બિલાડીના ટોપને બે સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે ઝેરી અને બિન ઝેરી. ખાદ્ય પ્રકારના બિલાડીના ટોપનો ઉપયોગ કચુંબર તરીકે તેમજ નોન-વેજ વાનગીઓને સુગંધિત કરવામાં વપરાય છે.
આપણ વાંચો: મકાનની કિંમતોએ ભરી હરણફાડ! જાણો પાંચ વર્ષમાં કેટલા મોંઘા થયા ઘર
મશરૂમનો ખાદ્ય પદાર્થ તરીકે વ્યાપક ઉપયોગ પ્રારંભમાં ચીન અને જાપાનમાં શરૂ થયા બાદ હવે તો તે સમગ્ર વિશ્વમાં પોષક ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. ખાસ પ્રકારના મશરૂમ હાઉસ બનાવી તેમાં બિલાડીના ટોપનું વાવેતર પણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ઓરેગનમાં કોલંબિયા નદીના પટ પર આવેલી માઉન્ટ બ્લુ પર્વતમાળા પર ૨૩૮૪ એકર જેટલા વિશાળ વિસ્તારમાં બિલાડીના ટોપ ઉગ્યા છે અને તે ૮૬૫૦ વર્ષ જૂના હોવાનું વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.