મુંબઈથી કચ્છ આવતી એક્સપ્રેસ ટ્રેનમાં નશેડી યુવકો ઘુસી આવતા બબાલ, મુસાફરોએ ચેન ખેંચી તો…
નારાજ ઉતારુઓએ વિરમગામ સ્ટેશને ચેન પુલિંગથી ટ્રેનને રોકી વિરોધ દર્શાવ્યો

ભુજઃ કચ્છને દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડનારી કચ્છ એક્સપ્રેસ ટ્રેન મારફતે સરહદી કચ્છમાં શરાબ સહિતના માદક પદાર્થો ઘુસાડવાની નાપાક પ્રવૃત્તિ અવારનવાર બહાર આવતી રહે છે. તેવામાં ગત રાત્રે આ ટ્રેનના રિઝર્વ કોચમાં નશામાં ધૂત શખ્સો ઘુસી આવતાં ભારે બબાલ થઇ હતી. મધરાત્રે દોઢેક વાગ્યે રોષે ભરાયેલા મુસાફરોએ ચેન પુલ કરીને ટ્રેનને વિરમગામ સ્ટેશને થોભાવી દીધી હતી અને રેલવે પ્રશાસન અને આરપીએફના અધિકારીઓને શરાબીઓની કોચમાં હાજરી અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.
મુસાફરોએ ચેન પુલ કરીને ટ્રેનને વિરમગામ સ્ટેશને થોભાવી
ચોંકાવનારી વાત એ છે કે, જવાબદારો તરફથી યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નહોતો. જેથી નારાજ ઉતારુઓએ પ્લેટફોર્મ ઉપર બેસીને વિરોધ દર્શાવ્યો હતો. મામલો ગંભીરતા બનતા અધિકારીઓ લોકોને સમજાવ્યા ત્યારે માંડ સમગ્ર મામલો થાળે પડયો હતો અને ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ અંગે કચ્છ યુવક સંઘના કાર્યકર પરેશ છેડાએ જણાવ્યું હતું કે, કચ્છ એક્સપ્રેસ ટ્રેન રાત્રે ઊભી રહી ત્યારે રિઝર્વ કોચમાં કેટલાક નશામાં ધૂત યુવકો ધસી આવ્યા હતા અને કોચમાં રહેલા પરિવારો સાથે ગેર વર્તાવ કર્યો હતો. ત્યારબાદ કેટલીક મહિલાઓએ ચેનને પૂલ કરી ટ્રેનને થોભાવી હતી અને કોચને અંદરથી બંધ કરી, યુવકોને બેસાડી આરપીએફને જાણ કરી હતી. ટીટી અને જવાનોએ યોગ્ય પ્રતિસાદ ન આપતાં મામલો વધારે બિચક્યો હતો.
આપણ વાંચો: વડોદરામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, સિંદૂર સન્માન યાત્રાએ જમાવ્યું આકર્ષણ, જુઓ તસવીરો…
નશેડીઓએ કોચમાં રહેલા પરિવારો સાથે ગેરવર્તન કર્યું
જો કે, એક અધિકારી દ્વારા શરાબીઓ સામે યોગ્ય પગલાં લેવાની અને ટ્રેનમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા આપવાની ખાતરી અપાયા બાદ મામલો થાળે પડ્યો હતો. સીમાવર્તી કચ્છથી મુંબઈ તેમજ દેશના અન્ય શહેરોમાં આવન-જાવન કરતી ટ્રેનોમાં વારંવાર મુસાફરોની સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ ટ્રેનોમાં કોચની સ્થિતિ પણ અત્યંત ખરાબ છે. અગાઉ પણ મુંબઈથી ટ્રેનમાં શરાબની બોટલોનું વેચાણ કરતા લોકો ચડતા હોવાના બનાવ સમયાંતરે બહાર આવ્યા છે, તેમજ ફર્સ્ટ વાતાનુકુલિત કોચની અંદર એટેન્ડન્ટ દ્વારા શરાબની વ્યવસ્થા કરી દેવાઈ હોવાના બનાવો પણ બહાર આવી ચૂક્યા છે ત્યારે રેલવે પ્રશાસન મુસાફરોની સુરક્ષા બાબતે જરૂરી પગલાં ભરે તેવી માંગ ઊઠી રહી છે.