શ્વાનના હત્યારા પકડાયાઃ સીસીટીવી કેમરાની મદદથી ભુજ પોલીસની સરાહનીય કામગીરી
ભુજઃ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના આશાપુરા રીંગરોડ વિસ્તારમાં કચરાપેટીમાં બેદરકારીપૂર્વક ફેંકી દીધેલા વિસ્ફોટક પદાર્થને ખોરાક સમજીને બચકું ભરવા જતાં પાંચ ગલુડિયાંની માતા એવી માદા શ્વાનનું દર્દનાક મોત નીપજાવવા સબબ ભુજ એ ડિવિઝન પોલીસે બે શખ્સો વિરુધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી છે.
ગત મંગળવારના ઢળતી બપોરના અરસામાં લોકોની અવરજવરથી સતત ધમધમતા આશાપુરા રીંગ રોડ નજીક વિસ્ફોટક ટોટો ફાટતાં એક માદા શ્વાનના જડબાના ફૂરચાં ઉડી ગયાં હતા અને પીડાથી કણસી કણસીને મોત નીપજ્યું હતું.
આ અંગે સમાચાર માધ્યમોમાં પ્રગટ થયેલા અહેવાલને ગંભીરતાથી લઈ રાત્રે જ સ્પેશિયલ ઓપરેશન ગૃપની એક ટુકડીએ ગહન તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…Ahmedabab શિક્ષણ અધિકારીની શાળાઓની ફી ઉઘરાણી મુદ્દે લાલઆંખ, સ્કૂલોને પરિપત્ર મોકલ્યો
સીસીટીવીમાં મોટરસાઇકલ પર આવેલાં ત્રણ યુવકો પૈકી એક યુવકે પહેરેલા જેકેટમાંથી પડી ગયેલા ત્રણ-ચાર વિસ્ફોટક ટોટા પરથી એક મોટરસાઇકલ અને ઓટો રીક્ષા પસાર થતાં પૈડાંના દબાણથી તેમાનો એક ફૂટ્યો હોવાનું જોવા મળ્યું હતું.
પોલીસે ગણતરીના કલાકોમાં ભુજના સલીમ આમદ કુંભાર (રહે. કેમ્પ એરિયા) અને અઝીઝ હાજી મણિયાર (રહે. સંજોગનગર) સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, જીપી એક્ટ અને બીએનએસ કલમ ૩૨૫, ૨૮૭, ૫૪ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પદાર્થ કયા હેતુથી લઈ જવાતો હતો? ત્રીજો યુવક કોણ હતો? વિસ્ફોટકમાં જીલેટીન કે કેવા પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ થયેલો છે જેવા મુદ્દે ગહન તપાસ શરૂ કરી દેવાઈ હોવાનું પોલીસ ઈન્સ્પેકટર હાર્દિક ત્રિવેદીએ જણાવ્યું હતું.