વરસતા વરસાદ વચ્ચે ભેડ માતાજીના મંદિરે કેમ આવ્યા છે ઊંટોના ધાડા

ભુજઃ રણપ્રદેશ કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદ થતાં કચ્છના લોકોમાં,ખેડૂતોમાં અને પશુપાલકોમાં અનેરો આનંદ ફેલાયો છે. આ સાથે ગુજરાત વિવિધ મેળાઓ પણ યોજાઈ છે. માણસો જો મેળા ઉજવે તો પશુઓ કેમ નહિ? આવી ભાવના કચ્છના રબારી સમાજમાં છે અને તેથી કચ્છનો ભાતીગળ મેળો કચ્છનું વાહન ગણાતા ઊંટોને સમર્પિત છે. આ મેળા માટે જ ભેડ માતાજીના મંદિરે ઊંટોના ધાડા આવી પહોંચ્યા છે.

ભુજ તાલુકાના કોટડા(ચકાર) ગામની મુંદરા પટ્ટીમાં આવેલા મોટા બંદરા નજીકના ભેડિયા ડુંગર પર બિરાજતા મોમાય માતાજી જેને લાડમાં માલધારીઓ ભેડ માતાજી તરીકે ઓળખે છે અને આ સ્થળે યોજાતો મેળો ઊંટો માટે સમર્પિત છે. દર વર્ષે ભાદરવા મહિનાની ચૌદશ અને અમાસ એમ બે દિવસ દરમ્યાન ભેડ માતાજીના સ્થાનકે આ ઉંટોનો મેળો યોજવામાં આવે છે.
આ મેળાની વિશિષ્ટતા એ છે કે આખું વર્ષ વફાદારી પૂર્વક પોતાના માલિક સાથે રહેતા ઊંટ-ઊંટડીને પશુપાલકો ખાસ કરીને રબારીઓ પોતાના ઊંટ-ઊંટડીને,ભેડ માતાજી સમક્ષ શીશ નમાવવા માતાજીના સ્થાનકે લઇ આવે છે.ઊંટને મંદિરમાં બિરાજમાન મોમાય માતાજીની મૂર્તિ સામે લઇ અવાય છે જયાં ખાસ બનાવાયેલા પ્લેટફોર્મ પર ઊંટ પોતાનું શીશ નમાવે છે. આ ઊંટોને કુમકુમ ચોખાના તિલક પણ કરાય છે અને તેમને નાળિયેરનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.
એક માન્યતા એવી છે કે, ઊંટોને મોમાય માતાજીના દર્શન કરાવવાથી તેઓ આખું વર્ષ તંદુરસ્ત રહે છે. દુષ્કાળના એ દોહલા દિવસોમાં કચ્છમાંથી હિજરત કરી ગયેલા સેંકડો રબારી પરિવારો, સારો વરસાદ થઇ જતાં કચ્છમાં પરત ફર્યા છે. આ રબારી પરિવારો જયારે હિજરત કરે છે ત્યારે કુટુંબના સભ્યો અને માલસામાનના ટ્રાન્સપોર્ટરો તરીકે આ ઊંટો જ ફરજ બજાવે છે.
આ વર્ષે વરસતા વરસાદ વચ્ચે પણ લોકમેળામાં મહાલવા ઊંટોના ધણ ભેડ માતાજીના મંદિરની આસપાસ ઉમટી પડ્યા હતા. આનંદની વાત એ છે કે હવે ઊંટડીના દૂધની લોકપ્રિયતા પણ વધવા પામી છે અને તેનું સારું માર્કેટિંગ શક્ય બન્યું છે તેથી અગાઉ માત્ર ઊંટો જ પાળતા પશુ પાલકો હવે ઊંટડીઓને પણ પાળતા થયા છે તેથી આ વર્ષે કોટડા ચકાર ખાતેના આ ઊંટોના મેળામાં ઊંટ જાણે સપરિવાર મહાલ્યા હતા.
ભુજ ઉપરાંત મુંદરા તેમજ અંજાર તાલુકાઓના છેક ચુનડી, લફરા,બાંદરા,ચંદીયા,વરલી,જાંબુડી,રેહા સણોસરા સહીત ૭૦ જેટલા વિવિધ ભાતીગળ ગ્રામ્ય વિસ્તારોમાંથી પોતાના પશુઓ સાથે હાજરી આપી હતી. આમ તો આ વાત પંચતંત્રની વાર્તા સમાન લાગે પણ વાસ્તવમાં યોજાતો આ મેળો રણપ્રદેશ કચ્છના લોકોની મૂંગા પશુઓ સાથેની આત્મિયતાનું પ્રેરક ઉદાહરણ છે.
આપણ વાંચો: કચ્છમાં અપાયું રેડ એલર્ટ: વહીવટી તંત્રએ લોકોને આપી ચેતવણી