
ભુજ: ગત ૧૨મી જૂનના રોજ અમદાવાદમાં તૂટી પડેલા એર ઇન્ડિયાના ડ્રિમ લાઈનર પ્લેનમાં સવાર ભુજ તાલુકાના દાહીસરા ગામના ૩૨ વર્ષીય યુવક અનિલ શાતાજી ખીમાલીના નશ્વર દેહના દુર્ઘટનાના ૧૬મા દિવસે માદરે વતનમાં અંતિમ સંસ્કાર કરાયા છે.
અષાઢી બીજના દિવસે અનિલના ડીએનએ મેચ થઈ જતાં પરિવારને મૃતદેહ સુપ્રત કરી દેવાયો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે સંધ્યાકાળે જયારે શબ વાહિનીમાં અનિલનો મૃતદેહ કચ્છના દહીસરા ખાતે લવાયો ત્યારે આખું ગામ હીબકે ચઢ્યું હતું.
પરિવારના એક સભ્યે ભીની આંખે જણાવ્યું હતું કે, અનિલનો મૃતદેહ ૯૦ ટકા જેટલો દાઝી ગયો હોઈ, મૃતદેહમાંથી ડીએનએ મેળવવામાં તબીબોને જહેમત ઉઠાવવી પડી હતી. ડીએનએ મેચિંગના મલ્ટિપલ રાઉન્ડ બાદ આખરે ડીએનએ મેચ થયો હતો.
ત્રણ ભાઇઓમાંનો એક અનિલ અગાઉ સેશલ્સમાં કામ કરી આવ્યો હતો. એક દૂરના સંબંધીએ તેને છ માસ માટે લંડન બોલાવતાં તે પહેલીવાર લંડન જતો હતો. એર ઈન્ડિયાની એ કમનસીબ ફલાઈટમાં ૨૧-૯ નંબરની સીટ પર તે બેઠો હતો.
એર ઈન્ડિયાના પ્લેનક્રેશની દુર્ઘટટનામાં 260ના ડીએનએ મેચ થયા છે અને તેમના મૃતદેહો પરિવારને સોંપ દેવાયા છે.