ભુજ

કચ્છમાં પંચાવન જેટલા તલાટીઓ સામે જિલ્લા વિકાસ અધિકારીએ ઉગામ્યો દંડોઃ આ છે કારણ

ભુજઃ કચ્છ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારના તલાટીઓ તેમની ફરજ પ્રત્યે બેદરકાર હોવાનું સરકારી તંત્રના ધ્યાને આવતાં ૫૫ જેટલા આવા ગ્રામ્ય કર્મચારીઓ સામે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવતાં ફરજ પ્રત્યે બેદરકાર તલાટી આલમમાં ચકચાર પ્રસરી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ ગ્રામ્ય કક્ષાએ તલાટી-સહમંત્રીની ફરજચૂક, અનિયમિતતા અને બેદરકારીના કિસ્સામાં હાલ ત્વરિત નિર્ણાયક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પ્રજાપતિ દ્વારા તાલુકા પંચાયત કચેરીઓ તેમજ તાલુકામાં અઠાવાડિક યોજાતી તલાટી બેઠકોમાં સમયાંતરે હાજરી આપી તલાટીઓને કાયદાની સમજ તેમજ તેની અમલવારી અને વહીવટી પ્રક્રિયા બાબતે માર્ગદર્શન પૂરું પાડયું હતું. અબડાસા, ભચાઉ અને રાપર તાલુકાઓમાં કામગીરી બાબતે હાલની સ્થિતિ તેમજ અત્યાર સુધી થયેલી કામગીરી બાબતે દિવસ ૧૫માં કાર્યવાહી કરવા અને હકીકતલક્ષી અમલવારી યાદી પણ રજૂ કરવા સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

તલાટીની ગેરહાજરીની ફરિયાદો

તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, ઓછી વસૂલાતોનો કિસ્સો હોય કે ગ્રામ પંચાયતમાં ગેરહાજરી , ગેરવર્તણૂક જેવી બાબતોમાં ખાતાકીય પગલાં લેવામાં આવ્યાં છે. ચાર તલાટી સામે શિક્ષાત્મક પગલાંના હુકમ કરાયા છે, તો ૧૩ને તકેદારી આયોગ મુદ્દે યોગ્ય જવાબ આપવા જણાવાયું છે. શિસ્ત નહીં જાળવતા સાત તલાટીને પણ નોટિસ અપાઈ હતી. ઓછા વેરા વસૂલાત કરનારા સાતને ખુલાસો કરવા અથવા પગલાં માટે તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી હતી. તલાટીઓની મોટા ભાગે ગ્રામ પંચાયતમાં ગેરહાજરી હોવાની ફરિયાદો ઊઠી છે, ત્યારે ૩૦ સ્થળે આકસ્મિક તપાસ દરમ્યાન ગેરહાજર રહેલા તલાટીઓના પગાર કાપી લેવામાં આવ્યા હતા, જ્યારે બે તલાટી સામે આકરી શિક્ષા કરવા મંડળને દરખાસ્ત કરવામાં આવી હતી.


તલાટી સહમંત્રીની ગ્રામ પંચાયત સ્તરે કાર્યનિષ્ઠા, નિયમિત હાજરી અને સુચારુ ફરજ અનિવાર્ય પાસું છે. ગ્રામ્ય કક્ષાએ વહીવટી કામગીરી ઉપર મુજબ સરળ અને સુચારુ બને તે હેતુસર અનિયમિતતાઓ-ફરજ ચૂકેલા આવા કિસ્સામાં શિસ્ત વિષયક કાર્યવાહી જરૂરી બને છે તેમ ઉત્સવ ગૌતમે ઉમેર્યું હતું.

તાલુકા કક્ષાએથી તલાટી સહમંત્રીના સેજામાં હાજરી સુનિશ્ચિત કરવા ક્ષેત્રિય ચકાસણી અને ડિજિટલ હાજરી સમીક્ષા અર્થે જણાવાયું છે. અનિયમિતતાના કિસ્સાઓમાં તાલુકા સ્તરેથી વર્તણૂક સબબ નોટિસ પાઠવી ગેરહાજરીના કારણો ઉચિત ન જણાય, તો સંબંધિતની સી.એલ.તેમજ બિનપગારી કરવા સૂચના આપવામાં આવી હતી.

બીજી તરફ, કચ્છના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કચ્છ જિલ્લના ૭૮ જેટલા તલાટી,સહમંત્રીઓની આંતરિક બદલીના હુકમ કરાયા છે. આ ઉપરાંત આંતર જિલ્લામાંથી બદલીને કચ્છ આવેલા ત્રણ તલાટી, સહમંત્રીને નવા સેજામાં નિમણૂક અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરહદી કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયત વહીવટી તંત્ર ૬૩૨ જેટલી ગ્રામ પંચાયતમાં ગ્રામ્ય કક્ષાએ જાહેર સેવાઓનો લાભ ગ્રામ પંચાયત વહીવટી માળખાં હેઠળ પ્રાપ્ત થતો હોય છે અને ગ્રામીણ સ્તરે જાહેર સેવાઓનું વ્યવસ્થિત સંચાલન અને ગ્રામીણ વિકાસની કામગીરી થાય એ દરેક ગ્રામ પંચાયતના તલાટી સહમંત્રીની ફરજ છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button