કચ્છમાં ડિજિટલ અરેસ્ટ: પહલગામ હુમલામાં સંડોવણીના નામે વૃદ્ધ પાસેથી ₹૧૭.૪૪ લાખની ઠગાઈ

ભુજ: કચ્છમાં ડિજિટલ એરેસ્ટનો એક ચોંકવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ભુજ શહેરના સુખ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા ૬૭ વર્ષીય વૃદ્ધને તેમની જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા પાકિસ્તાન પ્રેરિત ભયાનક આતંકવાદી હુમલામાં તેમની સંડોવણી હોવાનું કહી સાયબર ગઠિયાઓએ તેમને સતત પાંચ દિવસ સુધી ડીજીટલ અરેસ્ટ રાખીને રૂપિયા ૧૭.૪૪ લાખ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી.
આ અંગે રસિકલાલ સાકરચંદ શાહ નામના વૃદ્ધે બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબરના ધારકો વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ૨૪મી ઓગષ્ટના રોજ તેમને જમ્મુ કશ્મીરના પહેલગામથી પોલીસ ઇન્સ્પેક્ટર રણજીત કુમારના નામે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે વૃદ્ધનો મોબાઈલ નંબર અને આધારકાર્ડ પહેલગામના હુમલામાં પકડાયેલો અને પાકિસ્તાની આતંકવાદી સાથે તેમની સંડોવણી તપાસ દરમ્યાન બહાર આવી હોવાનું કરડાકીભર્યા અવાજમાં કહેતા વૃદ્ધ ફફડી ગયા હતા.વૃદ્ધનો આ કેસ પુના ખાતેના ત્રાસવાદ વિરોધી દળને ટ્રાન્સફર કરી ત્યાં હાજર થવા કહ્યું હતું.
થોડીવાર બાદ અન્ય એક નંબર પરથી એટીએસના નામે ફોન આવ્યો અને તાત્કાલિક હાજર થવા કહેવામાં આવ્યું પરંતુ પોતે વૃદ્ધ હોવાનું કહેતા આરોપીએ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. ત્યારબાદ ફરિયાદીને ફોન કરી તમારા ખાતામાં ૭૫ લાખ આવ્યા હોવાનું કહી બેંક ખાતાની વિગતો આપવા કહ્યુ હતું. વિડીયો કોલ કરી ફરિયાદીને ડીજીટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને ૨૫ ઓગષ્ટના એસબીઆઈ બેંક ખાતામાંથી આરોપીએ મોકલાવેલા ખાતા નંબર પર રૂપિયા ૪.૯૭ લાખ મોકલાવ્યા હતા. ત્યારબાદ ૨૬ ઓગષ્ટના રોજ સાયબર ક્રિમિનલ દ્વારા પીએફ ખાતાની રકમ રેગ્યુલર ખાતામાં ટ્રાન્સફર કરાવી રૂપિયા ૧૨.૪૭ લાખ આરટીજીએસ કરાવી કુલ રૂપિયા ૧૭.૪૪ લાખ પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદીએ પોતાના ભત્રીજાને વાત કરતા તેણે ઠગાઈ થઇ હોવાનું જણાવતાં સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ડિજિટલ અરેસ્ટની ધાકે વૃદ્ધા પાસેથી 7.8 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં યુવકની ધરપકડ