કચ્છના ખાવડાના ઇન્ડિયા બ્રિજ પાસે હાઈ ટેંશન વીજ લાઈનના સંપર્કમાં આવેલું ડ્રોન સામેપારથી આવ્યું હતું?

ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ પ્રવર્તી રહેલી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કચ્છની પાકિસ્તાનને અડીને આવેલી સરહદ પર હવામાં ચક્કર લગાવી રહેલું એક શંકાસ્પદ ડ્રોન હાઇ-ટેન્શન પાવર લાઇન સાથે અથડાઈને નષ્ટ થઇ જતાં સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે જાણવા મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર, ગુરુવારે સવારે લગભગ છ વાગ્યાના સુમારે કચ્છના ખાવડા ખાતેના ઇન્ડિયા બ્રિજ બોર્ડર આસપાસ એક વિસ્ફોટ સાથે આ ડ્રોન તૂટ્યું હતું. આ ડ્રોન સરહદ પારથી આવ્યું હતું કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે, બુધવારે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા છે, જેના પરિણામે અનેક આતંકવાદીઓના મોત થયાના અહેવાલ છે.
આ પણ વાંચો રાપરમાં કૂવામાં કપડા ધોવા ઉતરેલી બે કિશોરીઓના ઊંડા પાણીમાં ગરક થતાં મોત
વધતા તણાવને ધ્યાનમાં રાખીને, અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું ભારત-પાકિસ્તાનની સરહદ નજીક શંકાસ્પદ ડ્રોનનું પ્રવેશવું એ પાકિસ્તાન સાથે જોડાયેલી હોઈ શકે છે. પાકિસ્તાન ગુરુવારે મોર્ટાર અને તોપમારો કરીને પોતાનું આક્રમણ ચાલુ રાખીને જમ્મુની નિયંત્રણ રેખા પર સક્રિય રીતે ગોળીબાર કરી રહ્યું છે. સાવચેતી રૂપે, સરહદી વિસ્તારોમાં મોટાભાગના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જવાબમાં, ભારતીય સેના મજબૂત વળતો હુમલો કરી રહી છે.