ભુજ-મુંદરા રાજ્ય ધોરીમાર્ગ ટ્રિપલ અકસ્માતમાં વધુ એક મોત સાથે મૃત્યુઆંક છ પર પહોંચ્યો

ભુજ: શહેરથી મુંદરા જઈ રહેલી સિતારામ ટ્રાવેલ્સની ખાનગી મિની લકઝરી બસને બાબિયા પાટિયાં પાસે ગત શુક્રવારે બપોરે નડેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુઆંક ધારણા પ્રમાણે વધવા પામ્યો છે અને હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા ૨૪ જેટલા ઘાયલ ઉતારુઓ પૈકી વધુ એક ઉતારુ જલાલુદિન નાતુલા માંડુ (ઉ.વ. ૪૧)નું સારવાર દરમ્યાન મોડી રાત્રે મોત નિપજતાં આ અકસ્માતમાં માર્યા ગયેલા હતભાગીઓનો આંક છ પર પહોંચવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બપોરે ટ્રેલરને ઓવરટેક કરવાના પ્રયાસમાં સામેથી આવતાં કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે મૃતદેહો બહાર રસ્તા પર ફેંકાઈ ગયા હતા.
આ પણ વાંચો…Rajkot માં સમૂહ લગ્નના આયોજકો ફરાર, લીલા તોરણે આવેલી જાન અટકી પડી
છ મૃતક પૈકી ત્રણની ઓળખ તેમના પરિજનોએ કરી હતી, જ્યારે એકની આધારકાર્ડથી ઓળખ મોડેથી સોબરનદાસ તરીકે થઈ હતી. હતભાગી ઉત્તરપ્રદેશથી દવા લેવા પોતાના ભાઈને ત્યાં મુંદરા આવ્યા હતા અને પરત જતી વેળાએ તેમને કાળ આંબી ગયો હતો.
આ અકસ્માતના બનાવે પૂરપાટ દોડતા વાહનો અને મર્યાદાથી વધુ મુસાફરો ભરીને જતી ખાનગી બસોનો વર્ષો જૂનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે.