મહારાષ્ટ્રમાં બનેલા અકસ્માતમાં નખત્રાણાના દાદા-પૌત્રના મોત, શોકનો માહોલ
ભુજઃ મૂળ નખત્રાણાના કોટડા (જડોદર)ના કચ્છી પાટીદાર સમાજના અને હાલ મહારાષ્ટ્રના ઉમરખેડમાં વસતા પરિવારના દાદા-પૌત્ર ભીમજીભાઇ નાકરાણી (ઉ.વ. ૬૬) અને કેતવકુમાર રાજેશભાઇ (ઉ.વ.૧૬)ના એક જીવલેણ માર્ગ અકસ્માતના બનાવમાં મોત થતાં કચ્છ સહીત બૃહદ કચ્છમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
બનાવ અંગે જાણવા મળેલી વિગતો મુજબ, કચ્છી પાટીદાર રમણીકભાઇ ભીમજીભાઇ નાકરાણીનો પરિવાર સાત દાયકાથી વ્યવસાય અર્થે મહારાષ્ટ્રના ઉમરખેડમાં સ્થાયી થયો છે. ગત પાંચમી ઓક્ટોબરની સવારે દસેક વાગ્યાના અરસામાં હતભાગી રમણીકભાઇ પોતાના પૌત્ર કેતમકુમારનું ધો.૧૨નું એડમિશન કરાવવા માટે એક્ટિવા પર શાળા તરફ જઈ રહ્યા હતા. આ દરમ્યાન દાદા-પૌત્રને ઉમરખેડ ગામથી ૧૦ કિ.મી.દૂર વિસ્તારમાં પાછળથી આવી રહેલા ડમ્પરે ટક્કર મારી દેતાં ડમ્પરના તોતિંગ ટાયર દાદા-પૌત્ર ઉપર ફરી વળતાં બંનેનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં.
સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. એક જ પરિવારના બે સભ્યોના આકસ્મિક મૃત્યુ થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વતન કોટડા જડોદરમાં આ અકસ્માતના સમાચાર મળતાં કોટડા પાટીદાર સમાજમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.