ભુજ

આર.ટી.ઓના નામે બોગસ સોફ્ટવેર ઇન્સટોલ કરાવી આ રીતે બેંક ખાતામાંથી લાખો ઉપાડી લેવાયા

ભુજઃ હાઇપર એક્ટિવ થયેલા સાયબર અપરાધીઓ લોકોને છેતરવા માટે અવનવા કીમિયા અપનાવતા રહે છે તેવામાં પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાં દવાઓના વિતરક એવા યુવકને આર.ટી.ઓનું ઈ-ચલણ ભરવાના નામે બોગસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી સ્માર્ટફોનને હેક કરી લઈને ૧.૪૯ લાખ રોકડા તથા ૧.૫૬ લાખની બારોબાર બનાવેલી લોન ઉપાડી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવતાં ચકચાર પ્રસરી છે.

ગાંધીધામના નવી સુંદરપુરી રહેતા નવીન કાનજી સથવારાએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૨૫-૬ રોજ તેઓને અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી આરટીઓ ઇ-ચલણ ૫૦૦.એપીકે નામના થર્ડ પાર્ટી એપ્લિકેશનની લિંક આવી હતી. આ લિંક જોઈને આરટીઓનું ચલણ ભરવાનું બાકી હશે તેમ માનીને તેમણે એ લિંક પરનું બોગસ સોફ્ટવેર સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કર્યું હતું, જેને ખોલતાં વેંત તેમનો મોબાઇલ ફોન હેક થઇ ગયો હતો.

જે મોબાઈલ નંબર તેમના બેંક ખાતા સાથે લીંક હતો, એ ખાતામાંથી પહેલાં રૂ.૧,૪૯,૦૦૦ બારોબાર ‘ડેબિટ’ થઇ ગયા હતા!. જાણબહાર તેમના ખાતામાંથી રૂ.૧,૫૬,૭૧૬ની લોન મંજૂર કરાવી કુલ રૂ.૩,૦૫,૭૧૬ સાયબર ક્રિમિનલ દ્વારા ઉપાડી લેવાયા હતા. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ ફરિયાદના આધારે અજ્ઞાત શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને કોઈ પણ થર્ડ પાર્ટી સોફ્ટવેર પોતાના મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ ન કરવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચો…ભારતમાં સાયબર ફ્રોડનો કાળો કેર: ₹ 22,811 કરોડની ઠગાઈ, 19 લાખ કેસ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button