ક્રાઈમ થ્રિલરઃ માતાની ફરિયાદ બાદ પુત્રનો મૃતદેહ કબ્રસ્તાનમાંથી બહાર કઢાયો

ભુજઃ ભુજ શહેરમાં રહેતા આધેડ રિક્ષાચાલકના એક અઠવાડિયા પહેલા થયેલા શંકાસ્પદ મોતમાં કોઈ ક્રાઈમ થ્રિલર સ્ટોરી જેવો વળાંક આવ્યો છે. આ આધેડનાં મોત મામલે તેમની માતાએ શંકા વ્યક્ત કરતા પોલીસે તેમનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢી તપાસ હાથ ધરી છે.
ઘરનું લાઈટ બિલ ભરવા બાબતે હત્યા
આ ઘટનાની વિગતો અનુસાર ભુજના ભીડગેટ પાસે રહેનારા સકીનાબાઈ નામના વૃદ્ધાએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમના રિક્ષા ચાલક એવા પુત્ર અબ્દુલાનું સપ્તાહ અગાઉ મોત થયું હતું. પરિવારે હાર્ટ એટેકથી મોત થયાનું કહી ગુપચુપ રીતે અંતિમવિધિ કરી નાખી હતી. હકીકતમાં મૃતકની પુત્રની પત્ની, તેના દીકરા એટલે પૌત્ર અને તેની પત્ની પૌત્રવધૂએ લાઈટ બિલ ભરવા બાબતે તકરાર થયા બાદ ભેગા મળી, ઢોરમાર મારીને હત્યા નિપજાવી છે તેવો આક્ષેપ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે અરજીની ગંભીરતા સમજી પ્રોટોકોલ પ્રમાણે દફન કરાયેલો દેહ બહાર કાઢી જામનગર ફોરેન્સીક પીએમ માટે મોકલાવ્યો છે.
આજે સવારે આલાવારા કબ્રસ્તાન ખાતે પ્રાંત અધિકારી, મામલતદાર, એ-ડિવિઝન પોલીસ સહિતના હાજર રહ્યા હતા. પરિવારજનોની હાજરીમાં પ્રોટોકોલ સાથે દેહ બહાર કાઢી પીએમ માટે મોકલવામાં આવ્યો છે. જામનગરથી અભિપ્રાય આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ તપાસકર્તાએ જણાવ્યું હતું.