કોર્ટે જમીન કૌભાંડના આરોપી પૂર્વ પ્રાંત અધિકારી જે.ડી.જોશીની જામીન અરજી ફગાવી
ભુજ: કચ્છમાં જે-તે સમયે ફરજ બજાવી ગયેલા સરકારી કર્મચારીઓ દ્વારા કરોડોના કથિત જમીન કૌભાંડો સમયાંતરે બહાર આવી રહ્યાં છે ત્યારે ભુજના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલાં અને ચાર જેટલાં કેસમાં ગેરકાયદે રીતે જમીન નિયમિત કરી આપી સરકારી તીજોરીને 79.67 લાખનું નુકસાન કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આરોપમાં ફિટ કરવામાં આવેલા જે.ડી.જોશીની નિયમિત જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે.
જોશીએ સત્તા અને સરકારી નિયમોની ઉપરવટ જઈને જમીનો નિયમિત કરી આપીને સરકાર સાથે વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવા સબબ દંડ સંહિતાની કલમ 409 અને 217 હેઠળ ભુજના મામલતદારે ગત 13મી જૂલાઈ 2024ના રોજ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે જોશીની ધરપકડ કરી હતી.
જેલમાં રહેલા જોશીએ પોતે સરકારી નિયમો મુજબ કામગીરી હોવાની દલીલો કરી પોતાને નિર્દોષ ગણાવીને જામીન પર મુક્ત કરવા માટે અરજી કરી હતી તેની સામે વિશેષ સરકારી વકીલ એચ.બી.જાડેજાએ આરોપીએ કેવી રીતે ચાર કિસ્સામાં નિયમભંગ કર્યો છે તે અંગે વિસ્તૃત દલીલો કોર્ટરૂમમાં કરી હતી.
બંને પક્ષની દલીલો સાંભળ્યાં બાદ છઠ્ઠા અધિક સેશન્સ જજ વી.વી.શાહે ગુનાની ગંભીરતા અને સાક્ષીઓ પર પ્રભાવ પડવાની દહેશત સાથે તપાસ હજુ ચાલું હોવાનું જણાવીને તત્કાલીન પ્રાંત અધિકારીની જામીન અરજી ફગાવી દેતાં તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયેલાં અને વડોદરા સ્થાયી થયેલાં 56 વર્ષિય જોશી અને કચ્છના પૂર્વ જિલ્લા કલેકટર વિરુદ્ધ અગાઉ પણ જમીન કૌભાંડના ગુના નોંધાયેલાં છે.