કચ્છના તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્માની સજા સામેની અપીલ નામંજૂર | મુંબઈ સમાચાર
ભુજ

કચ્છના તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્માની સજા સામેની અપીલ નામંજૂર

ભુજઃ વર્ષ ૧૯૮૪ના રોજ કોંગ્રેસી ધારાસભ્ય સાથેના પ્રતિનિધિ મંડળમાં તત્કાલીન પોલીસ વડા કુલદીપ નિરંકરનાથ શર્મા સમક્ષ રજૂઆત કરવા આવેલા ઈભલા શેઠ નામના વ્યક્તિને પોલીસ કંટ્રોલ રૂમમાં ગેરકાયદે ગોંધી રાખીને ઢોર માર મારવાના ચકચારી બનેલા ૪૧ વર્ષ જૂના કેસમાં વિવિધ જમીન કૌભાંડોને લઇ કાયદાની આંટીઘૂંટીમાં ફસાયેલા પ્રદીપ શર્માના ભાઈ એવા નિવૃત્ત આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા અને તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર ગિરીશ એચ. વસાવડાને કરવામાં આવેલી કેદ અને દંડની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલને જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી.

આ કેસમાં સંજોગોને કેન્દ્રમાં રાખીને બંને આરોપીઓને પંદર દિવસના પ્રોબેશનનો સમય અપાયો હતો.

આ કેસની ટૂંકી વિગતો મુજબ, નલિયામાં નોંધાયેલી એક ફોજદારી ફરિયાદ સંદર્ભે જેમને આરોપી દર્શાવાયાં હતા તેમની સામેના આરોપમાં તથ્ય ના હોવાનું અને પોલીસ તેમની બિનજરૂરી હેરાનગતિ ના કરે તે સંદર્ભે કોંગ્રેસના અબડાસાના તત્કાલિન ધારાસભ્ય ખરાશંકર જોશી, અબડાસાના રાજકીય અને મુસ્લિમ અગ્રણી હાજી ઈબ્રાહીમ મંધરા (ઈભલા શેઠ) માંડવીના તત્કાલીન ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા, શંકર ગોવિંદજી જોશી સહિત આઠ જણનું પ્રતિનિધિ મંડળ ૦૬-૦૫-૧૯૮૪ના રોજ પોલીસવડા કુલદીપ શર્માને કચેરીમાં રજુઆત માટે મળવા ગયા હતા, ત્યારે કથિત રીતે શર્માએ ઈભલા શેઠને દાણચોર કહીને અપશબ્દો કહેવા સાથે બંધક બનાવીને ઢોરમાર માર્યો એ બાબતે વર્ષ ૧૯૮૪માં ફરિયાદ નોંધાયા બાદ સમયાંતરે સુનાવણી હાથ ધરાઈ હતી.

41 વર્ષ જૂનો છે કેસ

ફરિયાદી શંકરલાલ અને ઈભલા શેઠ વિરુધ્ધ દાણચોરી અને આર્મ્સ એક્ટ, કોફેપોસા એક્ટ, પાકિસ્તાનના લોકોને આશરો આપવાના વિવિધ કેસ નોંધાયેલાં છે, પોલીસ ફોર્સને દબાણમાં લાવી તેમનું મનોબળ તોડવા ખોટી ફરિયાદ કરી છે તે સહિતના વિવિધ મુદ્દે સેશન્સ કૉર્ટથી લઈ હાઈકૉર્ટ અને છેક સુપ્રીમ કૉર્ટ સુધી લાંબો કાયદાકીય જંગ છેડાયો હતો. ચાર દાયકાની કાયદાકીય લડત દરમિયાન કોંગ્રેસના સક્રિય હોદ્દેદાર અને ફિશરીઝ નિગમમાં ડાયરેક્ટર એવા મર્હુમ ઈભલા શેઠનો ઈન્તેકાલ થઈ ગયો હતો. બે આરોપી પોલીસ અધિકારી વૈષ્ણવ અને ચૌહાણના પણ નિધન થઈ ગયાં હતાં.

આ દરમ્યાન ગત ફેબ્રુઆરી ૨૦૨૫માં ભુજની સેશન્સ કોર્ટે શર્મા અને વસાવડાને દોષિત જાહેર કરી ત્રણ-ત્રણ માસની કેદ અને એક-એક હજાર રૂપિયાના દંડની સજા જાહેર કરી જેની સામે અપીલ દાખલ કરવામાં આવી હતી જેને અદાલતે નામંજૂર કરી હતી, તો પ્રોબેશન માટે કરાયેલી માગણી પણ ઠુકરાવી દેવાઈ હતી. જિલ્લા અદાલતમાં ચાલેલી સુનાવણી બાદ સમગ્ર કેસના સંજોગોની નજરે સજાના હુકમ માટે હાજર થવા બંને આરોપીને પંદર દિવસનો સમયગાળો અપાયો હતો. જે-તે સમયે આ કેસના ફરિયાદી શંકર ગોવિંદભાઈ જોશી રહ્યા હતા. તેમના વકીલ તરીકે સુનાવણીમાં ધારાશાત્રી આર. એસ.ગઢવી સાથે વી. જી. ચૌધરી, વિશ્વા એમ. પરમાર અને શિવમ બી. સોલંકી રહ્યા હતા, જ્યારે શર્મા અને વસાવડા વતી સ્થાનિકથી સુપ્રીમ કોર્ટ સુધી સિનિયર કાઉન્સીલ આઈ.એચ.સૈયદ તથા ધારાશાત્રી બી. એમ.ધોળકિયા અને ડી.વી.ગઢવી રહ્યા હતા.

1980ના દાયકામાં દાણચોરી બની હતી બેફામ

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ૧૯૮૦ના દાયકામાં સરહદી કચ્છની જળ અને જમીન સરહદે ચાંદી અને ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓની દાણચોરી બેફામ બની હતી. દાણચોરી ઉપરાંત પાકિસ્તાન સમર્થિત દેશવિરોધી પ્રવૃત્તિઓ પણ બેકાબૂ બની હતી. ત્યારે, કચ્છના જિલ્લા પોલીસ વડા તરીકે કાર્યભાર સંભાળનાર કુલદીપ શર્માએ આવા દેશવિરોધી તત્વો સામે ઝુંબેશ છેડીને આ બદીને નેસ્તનાબૂદ કરી હતી જેના પગલે તેઓ ‘સુપર કોપ’ તરીકે ઉભરી આવ્યાં હતાં. શર્મા સામેનો પૈયા ગામનો ૧૯૮૪ના ફેક એન્કાઉન્ટરનો કેસ પણ ચકચારી બન્યો હતો. તેમની બદલી થઈ ત્યારે ભુજની જનતાએ વિશાળ સમારોહ યોજી ચાંદીની તલવાર આપીને તેમનું ભાવભર્યું સન્માન કર્યું હતું.

કુલદીપ શર્માના નાના ભાઈ અને કચ્છના પુનર્વસનમાં નમુનેદાર કામગીરી કરનાર તત્કાલીન કલેકટર પ્રદીપ શર્મા સામે પણ વિવિધ પ્રકારના જમીન કૌભાંડો સહિતના પંદરથી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યાં છે.

આપણ વાંચો:  કચ્છના ધોરીમાર્ગો પર યમરાજાનો પડાવ: છ માર્ગ અકસ્માતમાં આઠ મોત

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button