હજુ પૈસા આપી વિદેશ જવાની લાલચમાં છેતરાઈ રહ્યા છે લોકો, ભુજનો કિસ્સો જાણો…

ભુજઃ વિદેશ જવાના સપના બતાવી લાખો ખંખેરી લોકોને ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી વિદેશ મોકલનારા એજન્ટોના સાણસામાં ફસાયેલા ગુજરાતીઓ સહિત સેંકડો ભારતીયોને અમેરિકા અપમાનજનક રીતે પરત મોકલી રહી છે. આ લોકો પણ એજન્ટોની લોભામણી વાતોમાં ફસાયા હતા અને ભારે યાતના ભોગવી અમેરિકા પહોંચ્યા હતા અને હવે પાછા ફર્યા છે.
Also read : હેન્ડસ ફ્રી ભરાવીને જતા હો તો વાંચી લો આ સમાચારઃ પછી પરિવારે રડવાનો વારો ન આવે…
ત્યારે હજુ પણ આવા લોકોના સંકજામાં પ્રજા આવી જાય છે તે દુઃખની વાત છે. જોકે અહીં મામલો થોડો અલગ છે. અહીં યુકે મોકલવાનો વાયદો કરી ગૃહિણી પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનો અને હવે યુ કે જવાનું શક્ય ન બનતા રૂપિયા પરત ન આપવાનો કેસ બહાર આવ્યો છે.
ભુજ તાલુકાના સુખપર ગામની ગૃહિણીને યુનાઇટેડ કિંગ્ડમ મોકલવાના નામે ભુજમાં ઈમિગ્રેશન ઑફિસ ખોલીને બેઠેલાં યુગલે ૧૯.૫૫ લાખ રૂપિયા મેળવીને છેતરપિંડી કર્યાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે.
સુખપર ગામના જૂનાવાસમાં રહેતી ૩૫ વર્ષીય આરતી અનિલભાઈ સોલંકીએ છેતરપિંડી અંગે ભુજના હોસ્પિટલ રોડ પર શ્રીજી ઈમિગ્રેશનના નામે દુકાન ચલાવતા કેતન સોલંકી અને તેની પત્ની ડિમ્પલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
યુનાઇટેડ કિંગ્ડમમાં કાયમ માટે સ્થાયી થવાની ઈચ્છા હોઈ આરતીએ વર્ષ ૨૦૨૪માં ભુજના હોસ્પિટલ રોડ પર સત્વ કોમ્પ્લેક્સમાં શ્રીજી ઇમિગ્રેશન નામે ઑફિસ ચલાવતા કેતન સોલંકીની મુલાકાત કરી હતી. કેતને ફરિયાદીને ટેમ્પરરી વર્ક કેટેગરીમાં ક્રિએટીવ વર્કર તરીકે યુકે મોકલવાનું વચન આપ્યું અને બે માસમાં તમામ કાર્યવાહી પૂરી થઈ જશે તેવો વાયદો કર્યો હતો.
કેતનના કહેવા મુજબ ફરિયાદીએ યુકેમાં જવા માટેની ઓનલાઈન પરીક્ષા પાસ કરી હતી. ગત ફેબ્રુઆરી ૨૦૨૪માં કેતનને આરટીજીએસ વડે પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા અને તે પેટે તેની પત્ની ડિમ્પલે પહોંચ આપી હતી. આ કંપની તરફથી આવેલો કાગળ ફરિયાદીના પતિને વોટસએપ પર મોકલ્યાં બાદ મે ૨૦૨૪માં તેમણે રોકડાં પાંચ લાખ તથા આરટીજીએસથી દસ લાખ ટ્રાન્સફર કર્યા. ત્યારબાદ જૂન ૨૦૨૪માં વધુ બે લાખ જમા કરાવ્યા અને નાણાંની લેવડ-દેવડની ડિમ્પલે પહોંચ આપી હતી.
અચાનક કેતન સોલંકીએ તેમને જણાવ્યું હતું કે ક્રીએટીવ વર્કર કેટેગરીમાં તકલીફ થશે એટલે બ્યુટીશિયન તરીકેની કેટેગરીના વિઝા મેળવવા માટે પ્રોસેસ કરવી પડશે. આ બહાના હેઠળ વધુ થોડાંક માસ વીતી ગયાં હતાં. ત્યારબાદ કેતને ફરી જણાવ્યું કે, બ્યુટીશિયન કેટેગરીમાં કામ નથી થયું એટલે હવે સ્કીલ્ડ વર્કર તરીકેની કેટેગરીમાં એપ્લાય કરવું પડશે અને તે પેટે કંપનીમાં પાંચ હજાર પાઉન્ડ (૫.૫૫ લાખ રૂપિયા) ભરવા પડશે કહી વધુ પૈસા પડાવ્યાં હતા.
કેતનના ભરોસે રહીને ફરિયાદીએ સપ્ટેમ્બર ૨૦૨૪માં ૫.૫૫ લાખ રૂપિયા જમા કરાવ્યાં હતા જેને તેને કોઈ પહોંચ મળી નહોતી. આ રીતે, આરોપી યુગલે ફરિયાદી પાસેથી વિવિધ બહાને ટૂકડે ટૂકડે ૨૭.૫૫ લાખ રૂપિયા મેળવી લીધાં હતાં. થોડા સમય બાદ સ્કીલ્ડ વર્કર તરીકેનો લેટર કેન્સલ થયો હોવાનું કહીને કેતને હાથ અધ્ધર કરી દેતાં ફરિયાદીએ પોતાનો લેટર કેન્સલ થયો હોવાની જાણ કરતો કાગળ જોવા માંગતા કેતને તે કાગળ બતાડ્યો નહોતો.
ફરિયાદીએ નાણાં પરત માંગતા પંદર દિવસમાં નાણાં પાછાં આપી દેવાનો વાયદો કર્યો અને નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૪માં આઠ લાખ રૂપિયા પરત ચૂકવી આપ્યા હતા.
જાન્યુઆરીમાં ફરિયાદી અને તેમના પતિએ કેતનની ઑફિસે રૂબરૂ આવીને બાકીના ૧૯.૫૫ લાખ રૂપિયા પાછાં માંગતા કેતન અને ડિમ્પલ ઉશ્કેરાઈ ગયાં અને રૂપિયા નહીં મળે અને થાય તે કરી લો કહીને હાથ અધ્ધર કરી દીધાં હતાં.
આ બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. દંપતી તરફથી આ મામલે કોઈ ખુલાસો આવ્યો નથી.
Also read : અમરેલી લેટર કાંડઃ પાયલ ગોટીએ કોની સામે કરી તપાસની માંગ?
વિદેશ જવા માટેની એક ખાસ પ્રક્રિયા છે. આ માટે તમામ તપાસ કર્યા પછી જ કાયદેસર રીતે જવાની કોશિશ કરવી જોઈએ.