ભુજ

ભચાઉના વોંધ-સામખિયાળી વચ્ચેના રેલ ટ્રેકને નુકશાન પહોંચાડીને ટ્રેનને ઉથલાવવાના કારસાથી ચકચાર

ભુજ: પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના વોંધથી સામખિયાળી તરફ જતાં મહત્વના રેલ્વે ટ્રેક પર પટ્ટીના બોલ્ટ ખોલી, બેલાસ્ટ ટ્રેક મુકીને ટ્રેન ઉથલાવવાની નાપાક હરકત બહાર આવતાં ચકચાર જાગી છે. ગત ૨૮-૬ના બહાર આવેલા આ ચિંતાજનક અહેવાલ અંગે મળેલી માહિતી મુજબ, પશ્ચિમ રેલ્વેની એ.જી.એફ.ટી. નામની માલગાડી ભચાઉના વોંધથી સામખિયાળી તરફ આગળ વધી રહી હતી એ દરમ્યાન લોકો પાયલોટ, ગાર્ડને વોંધથી સામખિયાળી વચ્ચે કિ.મી. નંબર
૭૫૨/ ૪૯-૭૫૨/ ૪૫ રેલ્વે પાટા ઉપર ગડબડ જણાતાં તેઓએ તત્કાળ વોંધના સ્ટેશન માસ્ટરને જાણકારી આપી હતી.

પરિસ્થિતિ પામી ગયેલા સ્ટેશન માસ્તરે રેલ્વે પોલીસને જાણ કર્યા બાદ આ રેલવે ટ્રેક પર ધસી ગયેલી ટુકડીને ડી.એચ.ઈ.અર્થિન્સ લોમ્ડ પટ્ટી તથા બેલાસ્ટ (મોટા પથ્થર) અહીંથી પસાર થનારી ટ્રેનને ઉથલાવના ઈરાદાથી રેલ્વે ટ્રેક પર ઉપર રાખેલી નજરે પડી હતી. ટ્રેનને ઉથલાવવાના આ કારસા અંગે ભચાઉ પોલીસમાં જાણ કરાઈ હતી. અજ્ઞાત શખ્સ દ્વારા ટ્રેકના પટ્ટીના બોલ્ટ ખોલી નાખ્યા હોવાનું જણાયું છે તેમ બનાવની તપાસ કરી રહેલા પી.એસ.આઈ. જે.જે. ત્રિવેદીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આદિપુરથી અંજાર તરફ જતાં અત્યંત વ્યસ્ત ટ્રેક ઉપર શનિદેવ મંદિર સામેના ભાગમાં પણ આવા બનાવોને અંજામ અપાયા છે તેમજ અંજાર પાસેના અત્યંત વ્યસ્ત રેલવે ટ્રેક પર પથ્થરો ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button