કચ્છના ઘોરાડ પક્ષીને બચાવવા સમિતિએ સુપ્રીમ કોર્ટને દરખાસ્ત કરીઃ પાવર સપ્લાઈ કંપનીઓમાં ઉચાટ | મુંબઈ સમાચાર

કચ્છના ઘોરાડ પક્ષીને બચાવવા સમિતિએ સુપ્રીમ કોર્ટને દરખાસ્ત કરીઃ પાવર સપ્લાઈ કંપનીઓમાં ઉચાટ

ભુજઃ લુપ્ત થવાના આરે પહોંચી ગયેલા રૂપકડાં ઘોરાડ પક્ષીની (The Great Indian Bustard) વસાહતોમાંથી સોલાર અને પવનચક્કીઓની હાઈ ટેન્શન વીજ લાઈનો પસાર કરવા સામે દેશની સુપ્રીમ કૉર્ટમાં હાલ ચાલી રહેલા કેસમાં મહત્વપૂર્ણ અપડેટ આવી છે, જેમાં પંથકના વિકાસની સાથે લુપ્ત થઇ રહેલાં ઘોરાડ પક્ષીનું પણ સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુ અભ્યાસ કરીને ભલામણો કરવા સુપ્રીમ કોર્ટે રચેલી સાત નિષ્ણાતોની સમિતિએ કેટલીક મહત્વપૂર્ણ દરખાસ્તો સાથેનો અહેવાલ સુપ્રીમ કૉર્ટ સમક્ષ રજૂ કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર પાવર સપ્લાઈ કરતી કંપનીઓ સહિત સૌની નજર છે.

શું છે કમિટિના અહેવાલમાં ?
આ કમિટીએ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડના સંરક્ષણ માટે કચ્છ અને રાજસ્થાનમાં ડેડિકેટેડ (સમર્પિત) પાવર કોરિડોર બનાવવા, કેટલીક વર્તમાન પાવર લાઈન્સ અંડરગ્રાઉન્ડ કરવા અને કેટલીક જગ્યાએ આ પાવર લાઈન્સનોનો રુટ બદલવા સહિતની ભલામણો કરી છે. આ સમિતિના અહેવાલ પર ટૂંક સમયમાં સુનાવણી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આ નિષ્ણાતોની સમિતિએ કચ્છમાં બે ડેડીકેટેડ પાવર કોરિડોર બનાવવા ભલામણ કરી છે. એક પાવર કોરીડોરમાં કચ્છના સમુદ્રી કાંઠાળ પટ્ટમાંથી વીજ લાઈનો પસાર કરવા સૂચવાયું છે, જ્યારે અન્ય એક પાવર કોરીડોર કે જેમાં ચારસો વોલ્ટની હાઈ વૉલ્ટેજ પાવર લાઈન્સ હોય તે ઘોરાડ વસાહતની ઉત્તર તરફના વિસ્તારમાંથી પસાર કરવા ભલામણ કરી છે. સમિતિએ કચ્છમાં વર્તમાન પાંચસો ચોરસ કિલોમીટરના ‘પ્રાયોરીટી એરિયા’ની સમીક્ષા કરીને તેને ૭૪૦ ચોરસ કિલોમીટરમાં વિસ્તારવા ભલામણ કરી છે.

કચ્છમાંથી ઘોરાડ પક્ષીઓ ગાયબ

વજનમાં ભારેખમ પંખી ગણાતાં ઘોરાડ (ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ) પંખીની ગણીગાંઠી વસાહત મુખ્યત્વે કચ્છ અને રાજસ્થાનમાં બચી છે. ૨૦૧૯ના વર્ષમાં કેટલાંક પર્યાવરણવિદ્દ અને પક્ષીપ્રેમીઓએ ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન હેતુ તેની રક્ષિત વસાહતોમાંથી વીજ લાઈનો પસાર કરવા મુદ્દે ઉગ્ર વાંધા દર્શાવ્યાં હતા. ભારેખમ શરીર અને નબળી દ્રષ્ટિના કારણે આવી વીજલાઈનો સાથે અથડાઈને ઘોરાડ મૃત્યુ પામતાં હોઈ વીજ લાઈનો પસાર કરવી જ હોય તો અંડરગ્રાઉન્ડ કરવા રજૂઆત કરાઈ હતી. ઘોરાડ વસાહતોમાં વધી રહેલી માનવ ખલેલ, વસાહતોનો થઈ રહેલો નાશ સાથે ઘોરાડ કુદરતી રીતે નીચો પ્રજનન દર ધરાવતું હોવાનું જણાવી કચ્છ અને રાજસ્થાનમાં માંડ દોઢસો જેટલાં ઘોરાડ બચ્યાં હોવાનું અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ દર વર્ષે ચારથી પાંચ ઘોરાડના વીજ કરંટના લીધે મૃત્યુ થતાં રહેશે તો આગામી વીસ વર્ષમાં ઘોરાડની વસતિ વિલુપ્ત થઈ જવાનો અંદાજ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. કચ્છના અબડાસામાં આવેલા લાલા અભયારણ્યમાં તો માંડ ત્રણેક ઘોરાડ બચ્યાં છે.

આ પિટિશનના પગલે વર્ષ ૨૦૨૧માં સુપ્રીમ કૉર્ટે કચ્છ અને રાજસ્થાનના થારના રણમાં ઘોરાડ વસાહતના ૮૦ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઑવરહેડ વીજલાઈનોને અંડરગ્રાઉન્ડ કરવા અને નવી લાઈનો પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવતા નિર્દેશ જારી કર્યા હતા. આ પ્રતિબંધમાં છૂટછાટ આપવા માર્ચ ૨૦૨૪માં કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગતા રજૂઆત કરી હતી કે જે વિસ્તારમાં પ્રતિબંધ લગાવાયો છે ત્યાં ઘોરાડની નેવું ટકા વસાહત નષ્ટ થઈ ગઈ છે. આ વિસ્તારમાંથી વિન્ડ અને સોલાર ટ્રાન્સમિશન વીજ લાઈનો નાખવી જરૂરી હોઈ અગાઉના પ્રતિબંધ મુદ્દે કોર્ટ કોઈ મધ્યમ અને વ્યવહારુ માર્ગ કાઢે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું.

હવે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર નજર

સુપ્રીમના તત્કાલિન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કેસની સુનાવણી કરી હતી જેમાં કેન્દ્ર સરકારની દલીલને ગ્રાહ્ય રાખી પર્યાવરણીય સંરક્ષણ અને વીજ માગ વચ્ચે સંતુલન રહે તે જરૂરી હોવાનું જણાવી સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને હિતધારકોના પ્રતિનિધિઓને સમાવતી સાત સદસ્યોની એક એક્સપર્ટ કમિટી રચી હતી. આ કમિટીએ ગત ડિસેમ્બર માસમાં કચ્છનો પ્રવાસ કર્યો હતો અને જરૂરી માહિતી મેળવી હતી. હાલ સુનાવણી પર સૌની મીટ મંડાઈ છે.

આપણ વાંચો:  ગુજરાતમાં સૌપ્રથમવાર 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની આવકવેરા વિભાગ દ્વારા ચકાસણી: રાજકોટથી પ્રારંભ

સંબંધિત લેખો

Back to top button