સગી દીકરીની પરિવારે આવી હાલત કરી, અભયમની મદદથી મહિલાનું પ્રેમી સાથે મિલન

ભુજઃ માતા-પિતા અને પરિવાર પોતાના સંતાનનું સુખ ઈચ્છતા હોય છે તે વાતનો કોઈ ઈનકાર નથી, પણ ઘણીવાર અહંકાર અને જડ માન્યતાઓને લીધે પરિવાર પોતાના સંતાનો સાથે ખોટું વર્તન કરતો હોય છે અને તેનું ફળ સંતાનોએ ભોગવવું પડે છે. ખાસ કરીને દીકરી મોટી થઈ પોતાના જીવનના નિર્ણયો પોતે લે, પોતાની કરિયર બનાવે કે મરજીથી લગ્ન કરે તો આજેપણ પરિવારોને આ માન્ય હોતું નથી. આવો જ એક કિસ્સો કચ્છના અંજારમાં બન્યો છે, જ્યાં યુવતીનો પરિવાર તો વેરી બન્યો, પણ પ્રેમીએ તેને નવું જીવન આપ્યું છે અને આ બધામાં તેમનો સાથ આપ્યો છે રાજ્યની પોલીસ વિભાગની અભયમ હેલ્પ લાઈને.
કચ્છના અંજાર તાલુકાના એક ગામમાં અભયમ ટીમ પહોંચી હતી અને અહીં એકાદ મહિનાથી ગોંધીને રાખવામાં આવેલી યુવતીને તેમણે છોડાવી હતી. ચારેક દિવસથી ભૂખી યુવતીને ટીમે જમાડી હતી અને પછી તેની આપવિતી જાણી હતી.
પ્રેમલગ્ન કરી પિયરે આવી અને…
યુવતીનાં જણાવ્યા અનુસાર તેણે અગાઉ પોતાની મરજીથી એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે પોતાના પિયરે આવી હતી. પરિવારને તેનાં પ્રેમલગ્ન પસંદ ન હોવાથી તેમણે એક દલાલ મારફતે તેનું લગ્ન જબરજસ્તી અન્ય યુવક સાથે કરી નાખ્યું હતું. તે પરિવારને જાણા ન હતી કે યુવતી અગાઉ પરણેલી છે, તેથી જાણ થતા તેમણે યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ અને એક રૂમમાં ગોંધી રાખી હતી. આ યુવતી અભયમ સુધી કેવી રીતે પહોંચી તેની માહિતી નથી, પરંતુ ટીમે તેને ઘરમાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ તેમણે યુવતીનાં માતા-પિતાને ફોન કર્યો હતો, પરંતુ માતા-પિતાએ યુવતીને રાખવાની ના પાડી દીધી હતી.
દરમિયાન અભયમની ટીમે યુવતીએ જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે યુવકન ફોન કર્યો હતો અને યુવકે પોતાની પત્ની પાછી મોકલી આપવા અપીલ કરી હતી. અભયમે તમામ કાર્યવાહી કરી યુવતીને ટ્રેન મારફતે યુવક પાસે મોકલી હતી. પોતાના પતિ પાસે પરત ફર્યા બાદ યુવતીએ અભયમની ટીમનો વીડિયો કોલ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. આ ટીમનું નેતૃત્વ નિરૂપાબેન બારડ અને ચંદ્રીકાબેન ઠાકોરે કર્યુ હતું. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે.