કચ્છમાં હિલ સ્ટેશન જેવો માહોલઃ નલિયા, ભુજમાં ૨૨ ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન

ભુજઃ ઠંડી-ગરમી અને ભેજ સાથેના વિચિત્ર વાતાવરણના પગલે છેલ્લા કેટલાક સમયથી કમોસમી માવઠાંનું ટોર્ચર સહન કરી રહેલા રણપ્રદેશ કચ્છમાં ધાબળીયા માહોલ સાથે લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલું નીચું આવી જતાં આ સૂકા રણપ્રદેશમાં હિલસ્ટેશન જેવો હાલ માહોલ સર્જાયો છે.
ઝાકળવર્ષા વચ્ચે પાટનગર ભુજનું લઘુતમ તાપમાન ૨૩ ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી રહ્યું હતું જયારે શિયાળાના દિવસોમાં સતત ‘આઈસ કૂલ’ રહેતા નલિયા ખાતે લઘુતમ ૨૨ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી નોંધાવાની સાથે રાજ્યના સૌથી ઠંડા મથકોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જમ્મુ કાશ્મીર,ઉત્તરાખંડ અને સમગ્ર ઉત્તર ભારતમાં હિમ વર્ષાની શરૂઆત થઇ રહી છે જેથી આગામી દિવસોમાં ઠારની મારમાં વધારો થવાની સંભાવના હોવાનું હવામાનશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સતત પડી રહેલા વરસાદને લીધે વાતાવરણ સવારે અને રાત્રે ઠંડુ રહે છે અને બપોરે થોડી ગરમી અનુભવાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.
રાજુલામાં 3.46 ઇંચ, ખાંભામાં 2.99 ઇંચ, 2.48 ઇંચ, તળાજામાં 2.48 ઇંચ, જાફરાબાદમાં 2.05 ઇંચ, મહુવામાં 1.93 ઇંચ, ઉનામાં 1.61 ઇંચ, ભાણવડમાં 1.50 ઇંચ, પડધરીમાં 1.18 ઇંચ, ખંભાળિયામાં 1.14 ઇંચ અને લીંબડીમાં 1.10 ઇંચ વરસાદ પડ્યો હતો. કચ્છમાં પણ વરસાદી માહોલને લીધે ઈસબગુલ સહિત વિવિધ પાકને નુકસાન જવાની ભીતિ સેવવામાં આવી છે.
આ પણ વાંચો…કચ્છમાં શિયાળે ચોમાસું વાતાવરણ: ભુજ, અંજાર, રાપર સહિતના મથકોએ કમોસમી વરસાદ



