Cold Wave Hits Kutch: Naliya at 6.4°C Bhuj at 11.4°C

કચ્છમાં ઠંડીએ નાખ્યા ધામા: નલિયામાં 6.4 જ્યારે ભુજમાં 11.4 ડિગ્રી સે.લઘુતમ તાપમાન…

ભુજ: જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડી વિસ્તારોમાં સ્તર થઇ રહેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ આક્રમણ જારી રાખ્યું છે ત્યારે રણપ્રદેશ કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો આંક સિંગલ ડિજિટ પર સ્થિર થઇ જતાં હાવી થયેલી ગાત્રો થીજવી દેતી ઠંડીના મારથી જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.

આજે નવા અંગ્રેજી વર્ષ 2025ના પ્રથમ દિવસે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં લઘુતમ 6.4 ડિગ્રી સે. જેટલું નીચું તાપમાન નોંધાયું હતું, જયારે જિલ્લાના મુખ્ય મથક ભુજમાં પવનોની સંગાથે 11.4 ડિગ્રી સે.લઘુતમ તાપમાન નોંધાયું હતું. તેમાં પણ વળી ઉત્તર-પૂર્વ દિશાએથી પ્રતિકલાકે 13 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ રહેલા ઠંડાગાર પવનોએ લોકો પર આકરી ટાઢનો માર થઈ રહ્યો છે.

આ પણ વાંચો : રાજકોટમાં વકફ બોર્ડના ઓર્ડરને લઈને ટોળાએ ત્રણ દુકાનના તાળા તોડયા; સામાન બહાર ફેંક્યો…

કંડલા એરપોર્ટનું ન્યુનતમ તાપમાન 14 ડિગ્રી સે.

અલબત્ત આજે મહત્તમ તાપમાન 29 ડિગ્રી પર આવી જતાં બપોર બાદ ટાઢોડાની તીવ્રતા ઓછી થઇ જતાં રાહત વર્તાઈ હતી.ગાંધીધામ-કંડલામાં ઠંડીનું જોર આંશિક વધઘટ સાથે યથાવત્ રહ્યું છે. કંડલા એરપોર્ટ ખાતે આજનું ન્યુનતમ તાપમાન 14 અને કંડલા પોર્ટ ખાતે 14.8 ડિગ્રી સે. નોંધાયું છે.

સફેદ રણની સ્થિતિ કાશ્મીર જેવી

જમ્મુ કાશ્મીર, લેહ-લદાખ, ઉત્તરાખંડમાં થઇ રહેલી ભારે હિમવર્ષાને કારણે સતત વધી રહેલી ઠંડીની અસર હેઠળ વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ અનુભવાઈ રહેલી ઠંડકથી લોકોને ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇને રહેવું પડી રહ્યું છે. દરમ્યાન, કચ્છના પર્યટન સ્થળો પર જેમાં ખાસ કરીને ધોરડોમાં ચાલી રહેલા રણોત્સવમાં બોકાસો બોલાવી દેતી ઠંડીમાં આવેલા પ્રવાસીઓ સફેદ રણને કાશ્મીર સાથે સરખાવી રહ્યા છે.

Back to top button