‘ગુજરાતના કાશ્મીર’માં ઠંડી ગાયબ: કચ્છમાં સરેરાશ 30 ડિગ્રી મહત્તમ તાપમાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ વિશ્વમાં ઋતુચક્રના પરિવર્તન અને પર્યાવરણ પર તેની થતી ગંભીર અસરો વિશે સંયુક્ત રાષ્ટ્રો તરફથી તાજેતરમાં ઇજિપ્ત અને ઇઝરાયેલ ખાતે વૈજ્ઞાનિકોની બેઠકો યોજાઈ હતી. કચ્છમાંથી પણ એક વૈજ્ઞાનિક ડો.વી વિજયકુમારને ઇઝરાયેલ મોકલવામાં આવ્યા હતા ત્યારે કચ્છમાં ગાયબ થયેલી ઠંડીનો મુદ્દો હવે વૈશ્વિક ફલકે પહોંચ્યો છે. ગુજરાતનું કાશ્મીર ગણાતા કચ્છમાંથી ચાલુ સિઝનમાં ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેમ સરેરાશ 30 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
કચ્છમાં આ વર્ષે જાણે હજુ શિયાળો આવ્યો જ ન હોય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે અને વનસ્પતિઓ પણ મોસમના બદલાયેલા મિજાજથી છેતરાઈ હોય તેમ ગત નવેમ્બર મહિનાથી જ આંબા અને બોર જેવા ઝાડોમાં ભરશિયાળે મોર ફૂટ્યા છે. ડિસેમ્બર ૨૦૨૧માં કચ્છના નલિયા ખાતે લઘુતમ તાપમાન ૫ ડિગ્રી સે. જેટલું હતું. જયારે ભુજ તેમજ અન્ય વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૮થી ૧૦ ડિગ્રી સે. જેટલું નોંધાયું હતું પણ આ વર્ષે ક્રિસમસના આ સમય ગાળામાં કચ્છનું સૌથી નીચું તાપમાન ૯ ડિગ્રી સે.જેટલું નોંધાયું છે જે એક વિક્રમ છે. રણપ્રદેશ કચ્છમાં ઠંડીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે તે બાબત ચિંતા ઉપજાવે તેવી હોવાનું ડો.વી.વિજયકુમારે જણાવ્યું હતું.
કચ્છ ઠંડીની બાબતમાં ગુજરાતનું કાશ્મીર ગણાય છે,કારણ કે, જાન્યુઆરી ૧૯૭૭માં ભુજનું લઘુતમ તાપમાન ૦ ડિગ્રી સેલ્સિયસ,ફેબ્રુઆરી ૧૯૮૪માં ૦.૫ ડિગ્રી સે, ડિસેમ્બર ૧૯૯૦માં પણ ૦.૫ ડિગ્રી સે અને ડિસેમ્બર ૧૯૯૪માં લઘુતમ તાપમાન ૧ ડિગ્રી સે. ભુજમાં નોંધાયું હતું. કચ્છમાં અનેક વખત રાજસ્થાનના જેસલમેર અને બિકાનેર જેવાં મથકોથી પણ વધારે ઠંડી નોંધાઈ છે ત્યારે અચાનક આ સરહદી જિલ્લામાં ઘટતા જતાં ઠંડીના પ્રમાણને લઈને કચ્છના સરાસરી વરસાદના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે.
વૈજ્ઞાનિકોના મતે આગામી દાયકા દરમ્યાન કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાંની પરિસ્થિતિ ઉભી થવાનો ભય છે. આજના કચ્છના લઘુતમ તાપમાનની વાત કરીએ તો ભુજ ખાતે લઘુતમ તાપમાન ૧૪.૪ ડિગ્રી સે. જેટલું રહ્યું છે જે ગયા ડિસેમ્બરની સરખામણીમાં ૯ ડિગ્રી જેટલું ઊંચું છે. જયારે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી સે.છે જે ગયા ડિસેમ્બર માસ કરતાં ૬ ડિગ્રી જેટલું ઊંચું છે!
અધૂરામાં પૂરું ભારતીય મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ વધુ એક સપ્તાહ સુધી કચ્છમાં લઘુતમ તાપમાન ૧૨થી ૧૯ ડિગ્રી સે. જેટલું રહેશે. આ ઉપરાંત હવામાન વાદળછાયું પણ રહેશે તે રીતે જોતાં ચાલી રહેલો આખો હિન્દૂ માગશર મહિનો ગુલાબી ઠંડીનો રહેવા પામશે.
આપણ વાંચો: હવે બેંક લોકર પણ સલામત નથી, રાજકોટમાં રૂ. એક કરોડનું સોનું ગાયબ થતાં ખળભળાટ



