ભુજ

સસ્તા મોજાના નામે કિંમતી રેડીમેડ કપડાની દાણચોરીઃ ૭૦ જેટલા કન્ટેનર કંડલા, મુંદરા બંદરે સીઝ

ભુજઃ પૂર્વ કચ્છના ગાંધીધામ સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ફરી એક વધુ ડ્યુટી ચોરીના કારસાનો પર્દાફાશ કરાયો છે. દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા, ખાનગી બંદર મુંદરા અને મુંબઈ પાસેના નાવાશેવા બંદર પર પહોંચેલા ૭૦ જેટલા કન્ટેનરોમાં પગના મોજા મંગાવ્યા હોવાના ડીક્લેરેશન સાથે ચીનથી આયાત કરાયેલા જુદા જ પ્રકારના માલ-સમાન મંગાવીને કરોડોની વેરા ચોરી કરવાની શંકા હેઠળ ડીઆરઆઈ દ્વારા ૭૦ જેટલા કન્ટેનરોને અટકાવી દેવાયાં છે. આ ઉપરાંત મુંબઈ બંદર પર પણ ૩૦ કન્ટેનરોની તપાસ શરૂ કરી દેવાઈ છે.

આ પણ વાંચો: ચોખા પરની નિકાસ પરના પ્રતિબંધો હટાવાતાં કચ્છના કંડલા બંદરે જહાજોની લાગી લાંબી કતાર

‘ડ્યુટી ચોરી’ માટે નવો કીમીયો

ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સના એક પ્રવક્તાએ આપેલી માહિતી પ્રમાણે એક કન્ટેનરમાં પગમાં પહેરવાના મોજાંને બદલે મોંઘી કિંમતના કાપડ તેમજ તૈયાર પોશાકો, ગરમ જેકેટ મળી આવતાં આ આખો મામલો ‘ડ્યુટી ચોરી’નો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે અને આ સમગ્ર કૌભાંડ કરોડોનું થવા જઈ રહ્યું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

૧૦૦ જેટલા કન્ટેનરો મધ દરિયે

ડીઆરઆઈ દ્વારા કરાતી કામગીરીની માહિતી આપવાનું હંમેશા માટે ટાળવામાં આવે છે. મુંદરા કસ્ટમ ખાતેના જન સંપર્ક અધિકારી દ્વારા પણ હજુ સુધી ક્યારે પણ એક પણ અખબારી યાદી જારી કરવામાં આવી નથી. એવું પણ જાણવા મળે છે કે, અંદાજે ૧૦૦ જેટલા કન્ટેનરો અટકાવાઈ દેવાયા બાદ હજુ બીજા કન્ટેનરો મધ દરિયે છે જે ટૂંક સમયમાં તેના ‘ડેસ્ટિનેશન પોર્ટ’ પર પહોંચશે. દરમિયાન આ કામગીરી પૂર્વ બાતમીને આધારે કરાઈ હોવાનું પણ જાણવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button