ભુજ

ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થિનીએ ભર્યું અંતિમ પગલું, સ્યૂસાઈડ નોટ મળી

ભુજ: તને નકામી પાસ કરી તેવા વારંવાર મહેણાં મારતી શાળાની મુખ્ય શિક્ષિકા કમ આચાર્યના ત્રાસથી કંટાળીને ૧૦માં ધોરણમાં અભ્યાસ કરનારી 15 વર્ષની છાત્રાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.

આ ચોંકાવનારી ઘટના અંગે મળી રહેલી વિગતો મુજબ, કચ્છના રાપર તાલુકાના ભીમાસર ગામની સરકારી શાળામાં દસમા ધોરણમાં ભણતી છાત્રાએ ગત 17 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પરિવારે સામાજિક રાહે દીકરીના મૃતદેહની દફનવિધિ કરી નાખી હતી. ઘટનાના ચોથા દિવસે 21 જાન્યુઆરીના રોજ વિશ્વા જ્યાં ચુડી-ચાંદલા વગેરે જેવો સામાન રાખતી હતી તેને મોટા ભાઈએ ફંફોસતાં તેમાંથી નોટબૂકના પાનાં પર વિશ્વાએ આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

આ પણ વાંચો: દસ વર્ષ પછી સોશિયલ મીડિયા પર કેમ વાયરલ થઈ રહી છે આ સ્યૂસાઈડ નૉટ? કોઈ ફરક આવ્યો?

શું લખ્યું હતું ચિઠ્ઠીમાં?

ચિઠ્ઠીમાં પોતાના મોતનું કારણ શાળાની આચાર્ય કમ શિક્ષિકા જિજ્ઞાસા મેમ હોવાનું, તે સતત ટોર્ચર કરીને તને નકામી પાસ કરી તેમ વારેવારે સંભળાવતાં હોઈ આ બધું પોતાનાથી સહન ના થઈ શકતું હોઈ આ પગલું ભરતી હોવાનું લખ્યું હતું.
પિતા અને પરિવારજનો સ્યુસાઈડ નોટ લઈને ભીમાસર (આડેસર) પોલીસ મથકે દોડી ગયાં હતાં.

ખાનગી કંપનીમાં ઓઈલ પાઈપ લાઈનના સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરનારા છાત્રાના પિતા સવજીભાઈએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, વિશ્વા નવમા ધોરણમાં ચાર વિષયમાં નાપાસ થતાં શાળાએ વિશ્વાની પુનઃ પરીક્ષા લઈ, પાસ કરી ધોરણ દસમાં પ્રવેશ આપ્યો હતો.

પીએમ માટે મૃતદેહને બહાર કઢાયો
પોલીસે છાત્રાનો દફનાવાયેલો મૃતદેહ એસડીએમ સહિતના પંચોની હાજરીમાં બહાર કઢાવીને જામનગરમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી જિજ્ઞાસાબેન ચૌધરી વિરુધ્ધ એટ્રોસીટી એક્ટ તથા છાત્રાને મરવા મજબૂર કરવાની કલમો તળે ગુનો નોંધ્યો હોવાનું ભચાઉ વિભાગના ડીવાયએસપી સાગર સાંબડાએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button